MSUના ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટરે બેઠક યોજી બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની સ્થિતિ જાણી

બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ વડોદરામાં અભ્યાસ કરતાં બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં

MailVadodara.com - Director-of-MSU-Office-of-International-Affairs-held-a-meeting-with-Bangladeshi-students-studying-in-Vadodara

- વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 80 જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે

- બેઠકમાં વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ કરવા માટે બાંહેધરી આપવામાં આવી


વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 80 જેટલા વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરે છે. હાલ બાંગ્લાદેશની હિંસક પરિસ્થિતિને જોતા ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો.ધનેશ પટેલે આજે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે મીટીંગ યોજી હતી અને વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોની સ્થિતિ જાણી હતી અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારોની મદદ કરવાની વાત કરી હતી.


બાંગ્લાદેશમાં બે મહિના સુધી ચાલી રહેલા અનામત વિરોધી વિદ્યાર્થી આંદોલન બાદ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટે પદ પરથી રાજીનામું આપ્યું હતું. હિંસક વાતાવરણને કારણે શેખ હસીનાએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. બાંગ્લાદેશમાં હિંસક સ્થિતિને પગલે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા બાંગ્લાદેશના 80 જેટલા વિદ્યાર્થી ચિંતામાં મુકાઈ ગયા છે. જેને પગલે એમએસ યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો. ધનેશ પટેલે બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી.


ડો.ધનેશ પટેલે એમ. એસ. યુનિવર્સિટીમાં ભણતા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી અને વિદ્યાર્થીઓ ક્યાં રહે છે અને તેમને કોઈ તકલીફ છે કે નહીં તે અંગે પૂછપરછ કરી હતી. આ ઉપરાંત બાંગ્લાદેશમાં રહેતા તેમના પરિવારજનોની સ્થિતિ અંગે પણ જાણકારી મેળવી હતી અને વિદ્યાર્થીઓને તમામ પ્રકારની મદદ કરવા માટે તેઓએ યુનિવર્સિટી તરફથી બાંહેધારી આપી હતી.


એમએસ યુનિવર્સિટીની ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સના ડાયરેક્ટર ડો. ધનેશ પટેલે જણાવ્યું હતું કે, એમએસ યુનિવર્સિટીમાં બાંગ્લાદેશના 80 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને હાલની બાંગ્લાદેશ નીતિને પગલે અમે આજે યુનિવર્સિટી સત્તાધીશોની સૂચનાને પગલે વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હતી અને તેમની તકલીફો જાણવાનો પ્રયાસ કર્યો હતો. આગામી દિવસોમાં પણ અમે યુનિવર્સિટી ઓથોરિટી તરફથી મળતી સૂચનાઓ પર કામ કરીશું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ વડોદરામાં ફતેગંજ, નિઝામપુરા, અલકાપુરી અને તાંદલજા સહિતના વિસ્તારોમાં રહે છે. તેમના માટે અમે 100 લોકોની ટીમ બનાવી છે અને તેમની તકલીફો જાણીને તેમની મદદ કરવાનો પ્રયાસ કરીશું.

Share :

Leave a Comments