વડોદરાથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ, અઠવાડિયામાં 3 દિવસ લોકોને કનેક્ટિવિટી મળશે

હનિમૂન જતાં પહેલાં કપલે કેક કટિંગ કરી ફ્લાઇટની શરૂઆત કરાવી

MailVadodara.com - Direct-flight-from-Vadodara-to-Goa-starting-today-people-will-get-connectivity-3-days-a-week

- વડોદરાવાસીઓને ગોવાની ફ્લાઇટની સગવડ ઘરઆંગણે જ મળતા અમદાવાદ અને સુરતના એરપોર્ટ પર મુસાફરોનું ભારણ ઘટશે


વડોદરાથી ગોવાની ડાયરેક્ટ ફ્લાઇટ આજથી શરૂ થઈ છે. સોમવાર, શુક્રવાર અને રવિવાર અઠવાડિયામાં ત્રણ વાર વડોદરાથી ગોવા અને ગોવાથી વડોદરાની ઈન્ડિગો ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. હનીમૂન પર જતા કપલે કેક કાપીને નવી ફ્લાઇટની શરૂઆત કરાવી હતી. આજે પહેલા જ દિવસે ખૂબ મોટી સંખ્યામાં યાત્રીઓ ગોવા પહોંચશે. યાત્રીઓ આજે વડોદરા એરપોર્ટ પહોંચ્યા હતા. આ યાત્રીઓ વેકેશનની મજા માણવા પરિવાર સાથે તો કોઈ લગ્ન બાદ હનિમૂન માટે ગોવા જઈ રહ્યા છે.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, વડોદરાની ગોવાની ફ્લાઇટની સુવિધા મળે તે માટે એવિએશન મિનિસ્ટ્રીમાં માંગણી કરી હતી. એને મંજૂરી મળી ગઈ અને આજે વડોદરાથી ગોવાની પહેલી ફ્લાઇટ ઉડાન ભરી રહી છે. વડોદરા સહિત મધ્ય ગુજરાતના લોકોને અમદાવાદ અને સુરત જવું પડતું હતું. હવે ઘરઆંગણે જ ગોવાની ફ્લાઇટની સગવડ વડોદરાવાસીઓને મળી છે અને સાથે જ અમદાવાદ અને સુરતમાં પણ મુસાફરોનું ભારણ ઘટશે. હું એવિએશન મિનિસ્ટરનો ખૂબ આભાર માનું છું. સાથે ઇન્ડિગોનો પણ આભાર માનું છું. 5 હજાર રૂપિયાની ટિકિટમાં યાત્રી ગોવા જઈ શકશે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, વડોદરા ઇન્ટરનેશનલ લેવલનું એરપોર્ટ છે, તો તેને ઇન્ટરનેશનલ ફ્લાઇટ પણ મળવી જોઇએ તેવી લોકોની માંગણી હતી અને ગૃહમંત્રીએ વડોદરા આવીને ઇમિગ્રશનનો લેટર આપ્યો હતો. સિક્યોરિટી માટે એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ કમિશનર વચ્ચે મિટિંગો થઈ ગઈ છે. એટલે બહુ જલદી આ સુવિધા લોકોને મળી જાય તેવા પ્રયાસો ચાલુ છે.


મુસાફર વસંત પટેલે જણાવ્યું હતું કે, વેકેશનમાં ગોવા જવાનું અમારું પ્લાનિંગ થયું અને નવી ફ્લાઇટમાં અમે આજે એનો લાભ લેવા જઈ રહ્યા છીએ. અમે સહપરિવાર એન્જોય કરવા જઇ રહ્યા છીએ. અમે વડોદરાના સાંસદનો આભાર માનીએ છીએ.

આ પ્રસંગે સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ સહિત શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ, ધારાસભ્ય કેયૂર રોકડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. હનીમૂન મનાવવા ગોવા જઈ રહેલા કપલનું કેક કાપી સાંસદ રંજનબેન ભટ્ટે અભિવાદન પણ કર્યું હતું.

Share :

Leave a Comments