પાદરામાં મોડીરાત્રે ધારીયાના ઘા ઝીંકી શ્રમજીવી દપતિની હત્યા કરી, લાશોને કેનાલમાં ફેંકી દીધી

ડબલ મર્ડરનું રહસ્ય અકબંધ / પોલીસને સ્થાનિક લોકો દ્વારા કોઇ કડી ન મળી

MailVadodara.com - Dhariya-stabbing-laborer-couple-to-death-bodies-dumped-in-canal-in-Padra-late-night

- પાદરા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશો બહાર કાઢી

- ઘટના સ્થળેથી ધારીયું મું, ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા પોલીસે 5 ટીમો બનાવી, ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવાઇ


પાદરા તાલુકાના ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના કિનારે પતરાંના છાપરું બનાવી રહેતા અને કચરો ભેગો કરી વેચીને પેટીયું આધેડ દંપતિ રહેતું હતું. મોડી રાત્રે કોઇ અજાણ્યા હત્યારાઓએ દંપતીની ધારીયાના ઘા ઝીંકી હત્યા કર્યા ત્યારબાદ દંપતીની લાશો ગોદડીમાં લપેટી કેનાલમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા કેનાલ ખાતે ઉમટી પડ્યા હતી. બીજી બાજુ પાદરા પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી લાશો બહાર કઢાવી તપાસ શરૂ કરી છે. 

પાદરા પોલીસ મથકના પી.આઇ. એલ.બી. તડવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના ગણપતપુરા પાસેથી પસાર થતી કેનાલના કિનારે ઝૂંપડું બાંધી રહેતા રમણ ફતેસિંહ સોલંકી (ઉં.વ.55) પત્ની ધનીબહેન ઉર્ફ ગગીબહેન સોલંકી (ઉં.વ. 53) રહેતા હતા. અને તેઓ કચરો-ભંગાર ભેગો કરી તે વેચીને પેટીયું રળતા હતા. મોડી રાત્રે કોઇ અજાણ્યા હત્યારાઓએ ઝૂંપડાની બહાર સૂઇ રહેલા સોલંકી દંપતિ ઉપર ધારીયાના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધું હતું. અને બંનેની લાશોને હત્યારાઓએ લોહીથી લથપથ ગોદડીમાં લપેટીને કેનાલમાં ફેંકી ફરાર થઇ ગયા હતા.


આજે સવારે બનાવની જાણ થતાં ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. હત્યારાઓએ દંપતિની હત્યા કરી હતી તે ધારીયું ઘટના સ્થળેથી મળી આવ્યું હતું. હત્યારાઓએ ક્રૂરતા પૂર્વક હત્યા કરી હોવાનું જણાય છે. પોલીસે સ્થળ પરથી લોહીથી લથપથ ગોદડીઓ તેમજ હથીયાર કબજે કર્યું છે.

પી.આઇ. એલ.બી. તડવીએ વધુમાં જણાવ્યું હતું કે, શ્રમજીવી દંપતિની હત્યા કર્યા બાદ કેનાલમાં ફેંકી દેવાયેલી લાશો સ્થાનિક તરવૈયાઓ દ્વારા  બહાર કઢાવવામાં આવી છે. અને દંપતિના મૃતદેહોને પોષ્ટમોર્ટમ માટે પાદરા સરકારી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે અન્ય પુરાવા એકત્ર કરવા આસપાસના વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. જોકે, કોઇ ઠોસ માહિતી મળી નથી. આ બનાવને પગલે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. કૃણાલ પટેલ અને તેમની ટીમ તેમજ જિલ્લા પોલીસ વડા રોહન આનંદ સહિત  ઉચ્ચ પોલીસ અધિકારીઓ આવી પહોંચ્યા હતા. અને તેમના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

આજે સવારે સ્થાનિક લોકોએ કેનાલમાં મૃતદેહ જોતા પાદરા પોલીસને જાણ કરી હતી. દરમિયાન આ બનાવની જાણ વાયુવેગે પ્રસરી જતાં ગણપતપુરા ગામ સહિત આસપાસના ગામ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે સ્થાનિક લોકોની પૂછપરછ કરી હતી. પરંતુ, પોલીસને સ્થાનિક લોકો દ્વારા કોઇ કડી મળી નથી. પોલીસની તપાસમાં દંપતિના ઝૂંપડાની બહાર દંપતિએ મહેનત કરીને ભેગો કરેલો ભંગારનો ઢગલો મળી આવ્યો હતો.


સમગ્ર પાદરા તાલુકામાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવમાં કોઇ ભંગારના ધંધા સાથે સંકળાયેલા હોવાનું મનાઇ રહ્યું છે. જોકે, પોલીસ માટે આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવો હાલના તબક્કે પડકારરૂપ છે. કેનાલ વિસ્તાર હોવાથી સી.સી. ટી.વી.ની સુવિધા ન હોઇ તે સ્વાભાવિક છે. ત્યારે પોલીસને હત્યારાઓ સુધી પહોંચવું મુશ્કેલ છે. જોકે, પોલીસને આશા છે કે આગામી ગણતરીના દિવસોમાં શ્રમજીવી સોલંકી દંપતિની હત્યાનો ભેદ ઉકેલી નાંખવામાં આવશે. પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલવા માટે ટેકનીકલ સોર્સીસની પણ મદદ લઇ તપાસ શરૂ કરી છે.

જિલ્લા પોલીસ વડા રોહન આનંદે જણાવ્યું હતું કે, આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે 5 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તદઉપરાંત ડોગસ્ક્વોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. આ ડબલ મર્ડરનો ભેદ ઉકેલવા માટે પોલીસ દ્વારા તમામ એંગલો ઉપર તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અમને આશા છે કે, આ ડબલ મર્ડરનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાંખીશું. હત્યારાઓની ધરપકડ બાદ ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments