આજે ચૈત્રી આઠમ નિમિત્તે વડોદરામાં માતાજીના મંદિરોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યાં, ઠેર ઠેર હવન-નવચંડી યજ્ઞનું આયોજન

આજે આઠમના પાવન દિવસે વહેલી સવારથી માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓનો ભારે ધસારો

MailVadodara.com - Devotees-flocked-to-Mataji-temples-in-Vadodara-today-on-the-occasion-of-Chaitri-aatham-Havan-Navachandi-Yagya-was-organized-everywhere

- રણુ ગામ સ્થિત તુળજા ભવાની મંદિરમાં પણ માતાજીના દર્શન માટે લોકો ઉમટી પડ્યા


જગત જનની માં શક્તિની આરાધના કરવાના પાવન પર્વ ચૈત્રી નવરાત્રીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી થઇ રહી છે. આજે આઠમના પાવન દિવસે શહેરમાં તેમજ શહેર નજીક આવેલા સુપ્રસિધ્ધ માતાજીના મંદિરોમાં હવન, નવચંડી યજ્ઞ સાથે ચૈત્રી આઠમની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી માતાજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓનો દર્શન માટે ભારે ધસારો રહ્યો હતો.


વડોદરાના માંડવી ખાતે આવેલા શ્રી અંબામાતાના મંદિરે સવારથી શ્રધ્ધાળુઓની દર્શન માટે લાંબી કતારો લાગી હતી. તો માંડવી નીચે આવેલા માતાજીના મંદિરમાં પણ શ્રધ્ધાળુઓનો દર્શન માટે ભારે ધસારો રહ્યો હતો. માંડવી ખાતેના માતાજીના મંદિર ચોકમાં હવનનું આયોજન કરવામાં આવ્યું છે. માંડવી ખાતે માતાજીના બે મંદિરો આવેલા હોઇ, શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહેવાના કારણે માંડવી વિસ્તારમાં ટ્રાફિક વ્યવહાર અસ્તવ્યસ્ત થઇ ગયો હતો. જોકે, ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા ટ્રાફિકનું નિયમન કરવામાં આવ્યું હતું.


આ ઉપરાંત વડોદરા નજીક આવેલા કારેલીબાગમાં આવેલા બહુચરાજી મંદિરમાં પણ શ્રધ્ધાળુઓની ભારે ભીડ રહી હતી. દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. તે સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા માતાજીના મંદિરોમાં હવન-નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાંક મંદિરોમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે સાથે માતાજીની આરાધના કરતા આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.


ચૈત્રી આઠમ નિમીત્તે વડોદરા નજીક આવેલા પાદરા તાલુકાના રણુ ગામ સ્થિત તુળજા ભવાની મંદિરમાં પણ માતાજીના દર્શન માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. વડોદરા સહિત આસપાસના ગામોના લોકો તુળજા ભવાનીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ગામ આખું ચૈત્રી આઠમના મેળામાં ફેરવાઇ ગયું હતું. તો વડોદરાથી 50 કિલો મીટર દૂર પાવાગઢના ટોચે બિરાજમાન મહાકાળી માતાના દર્શન માટે પણ લાખ્ખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


Share :

Leave a Comments