- સંગઠન, પાલિકાના શાશકો અને ધારાસભ્યો વચ્ચે વર્ચસ્વની લડાઈમાં કાઉન્સિલરો અને પ્રજાનો મરો..!
વડોદરામાં સ્વાર્થના રાજકારણે શહેરનો વિકાસ રૂંધી રાખ્યો છે. ભ્રષ્ટ વહીવટ અને સ્વાર્થ ના રાજકારણે એક સમયે રાજ્યમાં બીજા નંબરે આવતા શહેરને ચોથા નંબરે ધકેલી દીધું છે. વડોદરામાં સ્વાર્થનું રાજકારણ ચરમસીમાએ છે.
સર સયાજીરાવ ગાયકવાડે જયારે વડોદરા ની સ્થાપના કરી હતી ત્યારે એમને ખબર નહીં હોય કે એમની દીર્ઘ દ્રષ્ટિનું અનુકરણ કરવાને બદલે આજના શાશકો એમની આપેલી વ્યવસ્થાઓનું ધનોત પનોત કાઢી નાખશે. વડોદરામાં છેલ્લા ૩૦ વર્ષથી ભાજપનું શાશન છે.
- ભાજપમાં વફાદાર અને પ્રામાણિક કાર્યકરો અને નેતાઓની ખોટ નથી
૨૦૦૫ માં આજના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એ પાલિકાની ચૂંટણીમાં પ્રજાને વડોદરાને શાંધાઈ બનાવવાવું વચન આપ્યું હતું. જો કે એમણે જેમના ભરોસે વચન આપ્યું હતું એ શાસકોએ 'ભરોસાની ભેંશે પાડો જ્ણયો' જેવો ઘાટ ઘડ્યો... વડોદરાની ભોળી પ્રજાને ભાજપ પર અતૂટ વિશ્વાસ છે અને એટલે જ સદંતર નિષ્ફ્ળ ગયેલા શાશકોને છેલ્લા ત્રીસ વર્ષથી ખોબે ખોબા મત આપી સત્તા આપે છે. જો કે પ્રજાએ આપેલી સત્તા નો સદઉપયોગ કરતા દૂર ઉપયોગ વધુ થયો છે. સ્વાર્થ ના રાજકારણમાં આજે પરિસ્થિતિ એવી છે કે પોતાનો અહંકાર સંતોષવા માત્ર, સત્તાનો ઉપયોગ કરવામાં આવે છે.
વડોદરા શહેર ભાજપમાં સતા અને સંગઠન વચ્ચે ચાલતું શીત યુદ્ધ હવે પ્રજાના ધ્યાને આવી રહ્યું છે. સંગઠન અને સત્તા વચ્ચે ચાલતી જૂથબંધીમાં ધારાસભ્યો બાકાત નથી. ધારાસભ્યો અને સંગઠન વચ્ચે મતભેદ છે તો પાલિકાના શાશકો અને સંગઠન વચ્ચે પણ આજ પરિસ્થિતિ છે. મતભેદ હવે મનભેદમાં પરિવર્તિત થઈ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે એકબીજાને નીચા પાડવા હલકી કક્ષાનું રાજકારણ રમાઈ રહ્યું છે. આધારભુત માહિતી મુજબ પક્ષના ધારાસભ્યો અને શાસકોને નીચા પાડવા પક્ષ વિરોધી તત્વોનો ઉપયોગ થઈ રહ્યો છે. બે ચાર મુઠ્ઠીભર કહેવાતા સામાજિક કાર્યકરોને પીઢબળ આપી વર્ચસ્વ સ્થાપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક નેતાની સત્તા લોલુપતાને કારણે પક્ષમા શિસ્તના લીરેલીરા ઉડી રહ્યા છે.
- કાઉન્સિલર ધારાસભ્ય પાસે જાય તો સંગઠન નારાજ થાય અને સંગઠન પાસે જાય તો ધારાસભ્ય નારાજ થાય..! કાઉન્સિલર જાય ક્યાં..? સીધી ટિકિટ કાપવાની જ ધમકી અપાય છે..!
કૃત્રિમ હાસ્ય કરતા આ નેતાની અતિ મહત્વકાંક્ષાએ જૂથબંધીને વેગ આપ્યો છે. ધારાસભ્યો વચ્ચે પણ મનમેળ નથી. કેટલાક ધારાસભ્યો પોતાના માનીતા કાઉન્સિલર અને કાર્યકરોનું લોબિંગ કરવા બેબાકળા થઈ જાય છે. એવા ધારાસભ્યો એમના માનીતાની લાયકાત કે આવડત ધ્યાને લેવાને બદલે એમની ચમચાગીરી અને ખુશામતગીરીને લાયકાત ગણે છે. આમ ગંદા થઈ ગયેલા રાજકારણમાં કર્તવ્ય નિષ્ઠ કાર્યકર કે કાઉન્સિલર નો મરો થાય છે. પરિસ્થિતિ એવી છે કે કાઉન્સિલર સંગઠન સાથે જાય તો ધારાસભ્ય નારાજ થઈ ટોણા મારે.. અને જો ધારાસભ્ય સાથે જાય તો સંગઠન નારાજ થાય.. બંને પરિસ્થિતિમાં એવા ટોણા મરાય છે કે રાજકીય અસ્તિત્વ સામે પ્રશ્ન ઉભો થાય છે. કાઉન્સિલરો ને સીધી ધમકી અપાય છે કે ત્યાં (સંગઠન તરફ જાય તો ધારાસભ્ય અને ધારાસભ્ય તરફ જાય તો સંગઠન )"હવે ત્યાં જ જજે ટિકિટ લેવા"... ટૂંક માં "શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરો ખેંચે ગામ ભણી" જેવી હાલત વચ્ચે કાઉન્સિલરો જાય ક્યાં..? આવી જ હાલત કાર્યકરોની છે.
- "શિયાળ ખેંચે સીમ ભણી અને કૂતરો ખેંચે ગામ ભણી’ જેવી હાલત જોઈ મુખ્યમંત્રી એ કહેવું પડ્યું કે સંપી ને કામ કરો..!
ભાજપમાં કર્તવ્ય નિષ્ઠ કાર્યકરો અને નેતાઓની સંખ્યા નાની નથી. પરંતુ મુઠીભર સ્વાર્થી નેતાઓ વફાદાર અને પ્રામાણિક કાર્યકરોની ઉપેક્ષા કરી પોતાના રોટલા શેકી રહ્યા છે. અહીં મહત્વનું એ છે કે સંગઠન અને શાસકો તથા ધારાસભ્યો વચ્ચે ચાલતી જૂથબંધીની નોંધ પ્રદેશ કક્ષાએ પણ લેવાઈ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ વડોદરાના વિકાસની ચિંતા કરી ચુક્યા છે. જો કે મુખ્યમંત્રીની ટકોર બાદ પણ પરિસ્થિતિ સુધરી નથી. તાજેતરમાં મુખ્યમંત્રીએ પાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો સહિત નેતાઓને બોલાવી કહેવું પડ્યું કે સંપીને કામ કરો.
હાલમાં વડોદરાના વિકાસ માટે એવા નેતાની જરૂર છે જે સ્વાર્થના રાજકારણ અને ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકે, શહેરના વિકાસની દિશા નક્કી કરે... બાકી ભોળી પ્રજાનું ભોળપણ કઠોરતામાં બદલાતા વાર નહીં લાગે...!
- યોગ્યતા વગરના કાઉન્સિલર હોદેદાર બને તો શું થાય..?
વડોદરામાં ભાજપની સત્તામાં નિષ્ફળતા માટે અનેક કારણો છે. આ પૈકીનું એક કારણ એ પણ છે યોગ્યતા વગરના નેતાઓને સત્તા આપવી. ઉદાહરણ તરીકે કોઈ એક વ્યકિત કાઉન્સિલર બને એટલે કાઉન્સિલર તરીકેની યોગ્યતા કેળવે એ પહેલા એને મેયર, ડે. મેયર અથવા સ્થાયી સમિતિના અધ્યક્ષનું પદ મળી જાય. હવે જે કાઉન્સિલર તરીકે સફળ ના થયા હોય એ પદાધિકારી બને તો એની પાસે કઈ અપેક્ષા રખાય ? સ્વાભાવિક છે કે એ યોગ્ય નિર્ણય નહીં લઈ શકે. આવા સંજોગોમાં જે તે કાઉન્સિલરને યોગ્યતા વગર સત્તા આપનારની ભૂલ છે. પ્રદેશના નેતાઓએ કોઈપણ વ્યક્તિને હોદ્દો આપતા પહેલા એની યોગ્યતા ચકાસવી જોઈએ. આથી વિશેષ નો રિપીટ થીયરી પણ નિષ્ફ્ળ શાશન માટે જવાબદાર છે. કોઈપણ ચૂંટણીમાં જીત્યા બાદ ભાજપના નેતાઓને એક ભય હંમેશા સતાવે છે. નો રિપીટ થીયરીના કારણે ચૂંટણી જીત્યા બાદ પહેલી અને છેલ્લી ટર્મ સમજી નેતાઓ નિરશ બની જાય છે અને પોતાનું ભલું કરવા સ્વાર્થનું રાજકારણ રમે છે. અપવાદરૂપ કિસ્સામાં જ કોઈ ઉમેદવાર રિપીટ થાય છે. આમ પ્રદેશ કક્ષાએ વિચારવાની જરૂર છે.
- પ્રાથમિક સુવિધા આપવામાં શાશકો 30 વર્ષથી સદંતર નિષ્ફ્ળ..!
પાલિકાના નિષ્ફ્ળ શાશને શહેરને સમસ્યાઓની ભેટ આપી છે. વિકાસ તો વડોદરા માટે મૃગજળ સમાન છે. સર સયાજીરાવ ગાયકવાડે આપેલી અમૂલ્ય ભેટ જાળવવામાં નિષ્ફ્ળ રહેલા શાશકો છેલ્લા ૩૦ વર્ષમાં આજવા સરોવર જેવું એકપણ સરોવર બનાવ્યું નથી. પીવાના પાણી ના સ્ત્રોત માં આપણે આજે પણ આજવા સરોવર પર નિર્ભર છે. અન્ય વિકલ્પોમાં કરોડો રૂપિયા ચૂકવી મહીસાગર નદીમાંથી પાણી ખરીદવું પડે છે.
શાસકોએ શહેરનો વિકાસ એવો કર્યો કે ઉનાળામાં પીવા ના પાણીનો કકળાટ, દુષિત પાણીની સમસ્યા માર્ચ મહિનાથી શરૂ થઈ જાય. ચોમાસુ આવે એટલે દર વર્ષે લોકોને પુર ની ચિંતા સતાવે. શહેરની ચારેય દિશામાં બે ત્રણ ઇંચ વરસાદ પડે એટલે લોકોના ઘરોમાં પાણી ધૂસી જાય. એમાં પણ જો ચાર ઇંચથી વધુ વરસાદ પડે તો શહેર આખું જળબંબાકાર..વરસાદી કાસો પર દબાણો અને આડેધડ ગેરકાયદેસર બાંધકામોની મલાઈ ખાતા નેતાઓ અને અધિકારીઓના પાપે શહેર હવે દર વર્ષે ડૂબે છે.
શહેરમાં રોડ તો જાણે શાશકો માટે રોકેટ સાયન્સ છે. એક વર્ષમાં ૩૦ થી ૪૦ કરોડના ખર્ચે બનેલા રોડ એક વરસાદમાં ભ્રષ્ટ્ર વહીવટનો પર્દાફાશ કરે છે. એમાં પણ રોડ પર રોડ બનાવવાની શાસકોમાં ગજબની આવડત છે. જ્યાં લખોટી ગગડે એવા રોડ હોય એના પર દશ કરોડના ખર્ચે રોડ પર રોડ બનાવવામાં શાશકો વચ્ચે સ્પર્ધા ચાલે છે. જ્યાં ખખડધજ રોડ છે એ રોડ પર વાહનચાલકોની કમ્મર ભલે તૂટતી રહે પરંતુ જાડી ચામડીના શાશકો ના પેટનું પાણી હાલતુ નથી. એરકન્ડિશન ઓફિસો અને વૈભવી કારમાં ફરતા નમાલા શાશકો પાસે એમના કામોનો હિસાબ માંગવા માં આવે તો ઉભી પૂંછડીયે ભાગવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી..