વડોદરા પાલિકા દ્વારા નવા વહીવટી વોર્ડની રચના છતાં હજુ કેટલાક વોર્ડમાં વહીવટી વોર્ડની બિલ્ડીંગ નથી..!!

વોર્ડ નંબર 19 માં 2.9 કરોડના ખર્ચે નવી વહીવટી વોર્ડ ઓફિસ બનાવાશે

MailVadodara.com - Despite-the-creation-of-new-administrative-wards-by-Vadodara-Municipality-some-wards-still-do-not-have-administrative-ward-buildings

- બે કરોડના ખર્ચે વોર્ડ નં.16ની નવી ઓફિસ લક્કડપીઠાની જગ્યા પર બનાવવામાં આવશે, હાલ વોર્ડ નંં. 16ની ઓફિસ 14માં કાર્યરત છે

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.1-4-22થી 19 ચૂંટણી વોર્ડ મુજબ 19 વહીવટી વોર્ડ ઓફિસની રચના કરવામાં આવી હતી. જેમાં સાત ઓફિસનું બિલ્ડીંગ નવું બનાવવાનું થાય છે. જેમાંથી બે સ્થળે ઓફિસની કામગીરી ચાલુ છે, કોર્પોરેશન હવે વોર્ડ નંબર 19 માં મકરપુરા વિસ્તારમાં 2.9 કરોડના ખર્ચે નવી વહીવટી વોર્ડ ઓફિસ બનાવશે. આ માટેની દરખાસ્ત પણ તાજેતરમાં મંજૂર કરવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વર્ષ 2022-23 પેટે 3.97 કરોડના ખર્ચે છાણીમાં વહીવટી વોર્ડ નંબર 1ની તથા વાસણા ટીપી 17 માં વહીવટી વોર્ડ નંબર 10ની નવી કચેરી બનાવવાનું કામ ચાલુ છે. સોમા-તળાવથી ગણેશ નગરની વચ્ચેના વિસ્તારમાં લક્કડપીઠાની જમીન પર કપુરાઈ વોર્ડ નંબર 16 ની નવી વહીવટી વોર્ડ ઓફિસ પણ આશરે બે કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ માટે ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે, અને તેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

વડોદરા પાલિકાના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેનના કહેવા અનુસાર કપુરાઈ વોર્ડ નંબર 16ની વહીવટી વોર્ડ ઓફિસ હાલ વોર્ડ નંબર 14માં કાર્યરત છે. અગાઉ સુશાસન સપ્તાહની ઉજવણી દરમિયાન દરેક વોર્ડ દીઠ તેની વહીવટી વોર્ડ ઓફિસ મળે તે અભિગમ સાથે કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોર્પોરેશનની સાત નવી વોર્ડ ઓફિસ બનાવવાની વાત છે. કપુરાઈની વોર્ડ 16 ઓફિસ માટે લક્કડપીઠાની જગ્યા ઉપયોગમાં લેવાશે. અહીં નવું અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર પણ બનાવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા બાદ વોર્ડ નંબર 16ની નવી ઓફીસ માટે બાંધકામ કરવા ખાતમુહૂર્ત જલ્દી કરવામાં આવશે. હાલ વોર્ડ 16 ની ઓફિસ 14 માં કાર્યરત હોવાથી લોકોને તેમના કામો માટે છેક ત્યાં સુધી જવું પડે છે. કોર્પોરેશન દ્વારા જે તે વોર્ડમાં જ વહીવટી વોર્ડ ઓફિસ શરૂ કરવા પાછળનું કારણ એ હતું કે કામગીરી ઝડપથી થાય, દૂર સુધી જવું ન પડે અને સમયનો પણ બચાવ થાય.

Share :

Leave a Comments