- ગાર્ડન ડેવલોપમેન્ટ તથા લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવા પણ જણાવાયું
વડોદરા કોર્પોરેશનની હદમાં સમાવિષ્ટ થયેલ ઓજી વિસ્તારમાં ડ્રેનેજનું નેટવર્ક વિસ્તારવા તથા લાઇટિંગ અને રોડ રસ્તા સહિતના પ્રશ્નો સંદર્ભે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક મળી હતી. જેમાં તાત્કાલિક ધોરણે લાઇટિંગ અને ગાર્ડનના ડેવલોપમેન્ટ બાબતે સૂચનો કર્યા છે.
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગરની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ખાસ કરીને 18 મીટરથી ઓછી પહોળાઈના રસ્તાઓના કામો વોર્ડ કક્ષાએ તથા 18 મીટરથી વધુ પહોળાઈના રસ્તાઓના કામો પ્રોજેક્ટ દ્વારા થતા હોય છે. ત્યારે કઈ કામગીરી કોણે કેવી રીતે કરવી અને સંકલન જાળવવું તે બાબતે ચર્ચા થઈ હતી. ઓ.જી.વિસ્તારોમાં એસટીપી, એપીએસ સહિતની સુવિધા સાથે ડ્રેનેજનું નેટવર્ક વિસ્તારવાનું આયોજન હાથ ધરાયું છે. હાલ નવા વિસ્તારોમાં વરસાદી કાંસ મારફતે ડ્રેનેજના પાણીનો નિકાલ થાય છે. તેમજ ઘણા સ્થળોએ ખારકુવા છે. જેથી વરસાદી કાંસના સ્થાને ડ્રેનેજ પાણીનો પ્રોપર નિકાલ થાય અને નેટવર્ક વિસ્તારવા ઝોન અને વોર્ડ કક્ષાએ સંકલન જરૂરી છે. જેથી અધિકારી કર્મચારીઓ બેઠક યોજી રીવ્યુ મેળવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડ્રેનેજ નેટવર્કની કામગીરી માટે મોટાભાગના કામોમાં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ડીપીઆર બની ગયા છે. ચોમાસાની કામગીરી શરૂ થતા અંદાજે બે વર્ષના સમય બાદ લોકોને તેનો લાભ મળી રહેશે. આ ઉપરાંત રેગ્યુલર સફાઈ ઉપર ભાર મૂકવાની સાથે તળાવમાં સ્વચ્છતા માટે જણાવાયું છે. હાલ પ્રાથમિક તબક્કે ગાર્ડન ડેવલોપમેન્ટ તથા લાઇટિંગની વ્યવસ્થા ઉભી કરવા જણાવ્યું છે. તેમજ જે સ્થળેથી વડોદરા કોર્પોરેશનની હદ શરૂ થતી હોય તે બાબતેના સુચન બોર્ડ પણ મુકાશે.