- ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ખેડૂતોમાં ભીતિ
વડોદરા શહેર અને જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. શહેરે જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમા વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મ્સના કારણે વિઝિબ્લિટીમાં ઘટાડો થયો હતો. જોકે દિવસ ચઢતો ગયો તેમતેમ ધુમ્મ્સની અસર ઓછી થવા લાગી હતી.
ઉત્તર-પૂર્વથી ફૂંકાતા ઠંડા પવનોથી શહેરભરમાં ઠડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ત્યાં બીજી બાજુ આજરોજ ગાઢ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝબલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ના દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.
તાજેતરમાં જ કમોસમી વરસાદના કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે ત્યાં વધુ પડતા ધુમ્મસના કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો સેવી રહ્યા છે. માવઠાના માર બાદ ધુમ્મસના કારણે ખેતીના પાકને નુકશાન થવાની શક્યતા છે.