- એફ.વાય.બીકોમના એડમિશન ફોર્મ ભર્યા બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અંગત કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ આવી શક્યા ન હતા
- માગ ન સ્વીકારાય ત્યાં સુધી આંદોલન કરતા રહીશું તેવી ચીમકી ઉચ્ચારી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફ.વાય.બીકોમ વર્ષ 2023-24માં એડમિશનના ડોક્યુમેન્ટ વેરિફિકેશનને લઈ એન.એસ.યુ.આઇ દ્વારા હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન યોજી યોગ્ય માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
એન.એસ.યુ.આઇ દ્વારા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, એફ.વાય.બીકોમમાં વર્ષ 2023-24ના એડમિશન ફોર્મ ભરવામાં આવ્યા હતા. ત્યારે યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે અમુક અંગત કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ વેરીફિકેશનમાં આવી શક્યા નથી. જેમાં 70થી 90 ટકા ધરાવતા વિદ્યાર્થીઓ પણ છે કે, જેઓ એડમિશનથી વંચિત રહ્યા છે. આ માંગણી સ્વીકારી યોગ્ય નિકાલ લાવવામાં આવે અને યુનિવર્સિટી દ્વારા ફરીથી વિદ્યાર્થીઓને તારીખ આપવામાં આવે જેથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવી શકે અને એક વર્ષ બગડતું અટકે તેવી માગ સાથે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. અમારી માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન કરતા રહીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.
આ અંગે કોમર્સ ફેકલ્ટી સેનેટ મેમ્બર અમર ધોમસેએ જણાવ્યું હતું કે, કોમર્સ ફેકલ્ટીમાં કેટલાક સમયથી એડમિશનને લઇ જે ગફલત ઉભી થઈ છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાં ડીન દ્વારા કોઈ યોગ્ય જવાબ મળ્યો નથી અને વાઈસ ચાન્સેલર તો મળવા જ નથી માંગતા. અગાઉ 28 તારીખે આપેલા આવેદનપત્રનો જવાબ બે દિવસ પહેલા આપવામાં આવ્યો છે અને જણાવ્યું છે કે, હું હવે આ એડમિશન પ્રક્રિયામાં નથી. આ પ્રક્રિયા ખોટી રીતે ચાન્સેલર મેડમ પર ઢોળવાની વાત કરે છે. પરંતુ ક્યારે ચાન્સેલર મેડમ આ બાબતે ધ્યાન આપતા નથી અને ક્યાક અટક્યું હોય તો માત્ર સૂચના આપે છે. એડમિશન આપવા કે ન આપવા આ બાબતે તેઓ તરફથી કોઈ નિર્દેશ આપવામાં આવતા નથી. વાઈસ ચાન્સેલરે ખોટી રીતે ભીસમાં લઈ તેમની સાથે અથાડવાની કોશિશ કરીને યુનિવર્સિટીને બદનામ કરવાનું કૃત્ય કર્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, આ માટે અમે અહીં વીસીને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. કોમર્સ ફેકલ્ટીમાં એડમિશનમાં એક જ દિવસે એક જ તારીખે કરેલા એડમિશનના બદલે અન્ય તારીખ આપી બાકી રહેલા વિદ્યાર્થીઓને પણ યોગ્ય ન્યાય મળે તેવી અમારી રજૂઆત કરી છે. ક્યાંકને ક્યાંક આમા ગફલત છે. ના છૂટકે આરટીઆઇના માધ્યમથી કોર્ટનો સહારો લેવો પડે તેવી હાલત થઈ છે. આ પ્રક્રિયામાં જે કંઈ હશે અને જે જવાબદાર સત્તાધીશોને પણ ખુલ્લા પાડી યોગ્ય પગલાં લેવડાવીશું. જો આ બાબતે કોઈ નિરાકરણ નહીં આવે તો આ આંદોલન હવેથી ઉગ્ર બનાવવામાં આવશે તેવી અમે ચીમકી આપીએ છીએ.