- છેલ્લા ત્રણ વર્ષમાં આ નકલી કુલપતિએ યુ.કે, સ્પેન, UAE, અમેરિકા, ફ્રાન્સ, નેપાલ, જાપાન, ઇટલી જેવાં દેશોમાં પ્રવાસ કર્યો, જેમાં 21 લાખનો ખર્ચ કર્યાનો RTIમાં ખુલસો
વડોદરાની MS યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે વિદેશ પ્રવાસમાં 21 લાખનો ખર્ચ કર્યો હોવાનું ખુલાસો સેનેટ મેમ્બરે કરેલી RTIમાં થયો છે. સરકાર આ નાણાની રિકવરી કરે તેવી માંગ સેનેટ મેમ્બર કપિલ જોષીએ કરી છે.
MS યુનિવર્સિટીના સેનેટ મેમ્બર અને વડોદરા શહેર કોંગ્રેસના પ્રવક્તા કપીલ જોષીએ જણાવ્યું હતું કે, 23 જાન્યુઆરી 2025ના રોજ તત્કાલીન વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવના લખલૂંટ ખર્ચાઓને પર્દાફાશ કરવા RTI કરી હતી. ત્યારબાદ 30 દિવસમાં જવાબ ન મળતા કાયદાની જોગવાઈ પ્રમાણે પછી અમે અપીલની અરજી કરવી પડી, જેના જવાબમાં 6 માર્ચ,2025ના રોજ મને મળ્યો છે. જે ખર્ચના આંકડાઓ જોતાં એક ગુજરાતી પંક્તિ યાદ આવે કે, કોના બાપની દિવાળી ? દલા તરવાડીની માફક પોતાની લાયકાત છૂપાવી, સરકારની મદદથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત એમ. એસ યુનિર્સિટીમાં નકલી કુલપતિએ વૈભવવિલાસમાં દાટ વાળી દીધો છે. ગુજરાતમાં અત્યારે નકલી કોર્ટ, નકલી સરકારી કચેરી, નકલી અધિકારીઓનો સિલસિલો ચાલે છે એમાં હવે નવું એક છોગું ઉમેરાયું છે, નકલી કુલપતિ.
આ નકલી કુલપતિએ જે ખર્ચાઓ કર્યો છે એની વિગતો મને RTI ના માધ્યમથી પ્રાપ્ત થઇ છે. RTI મારફતે એ હું માધ્યમોને અને એ નિમિતે પ્રજાને પહોચાડી રહ્યો છું. જેથી સહુને ખબર પડે કે આપણા કેળવણી ક્ષેત્રમાં કેવું અંધેર ચાલે છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ નકલી કુલપતિએ યુ.કે, સ્પેન, UAE, અમેરિકા, ફ્રાન્સ, નેપાલ, જાપાન, ઇટલી જેવાં દેશોમાં ભ્રમણ યાત્રાઓ કરી છે, જેમાં 21 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.
વળી પડ્યા પર પાટુની માફક આ નકલી કુલપતિએ પોતાની નકલને છૂપાવવા કોર્ટમાં સરકારી વકીલો રાખ્યા રાજીનામુ આપવાના બદલે! આને ચોરી ઉપર સિનાજોરી કહેવાય. આ વકીલબાબુઓને આ યુનિવર્સીટીએ અલગ અલગ કાયદાકીય સલાહ માટે 3 લાખ 33 હજારથી વધુ રૂપિયા ચૂકવાયા છે. જે યુનિવર્સીટીમાં કાળઝાળ ઉનાળામાં વિદ્યાથીઓને પાણીની વ્યવસ્થા નથી, ત્યાં આવા મોંઘાદાટ વિદેશ પ્રવાશો અને કાનૂની સહાયનો ખોટો ખર્ચ ગુનાહિત કૃત્ય છે જે એમની પાસેથી પરત લઈને વિદ્યાર્થી કલ્યાણમાં વાપરવો જોઈએ.
પગારમાં મળવાપાત્ર સિવાયનો એમનો વાહન ખર્ચ 9 લાખ 18 હજાર છે ! મેડીકલ ખર્ચ 1 લાખ છે રાજાનો ઠાઠ ભોગવતા આ નકલી કુલપતિના બંગલે સેવા કરતા કર્મચારીઓને 17 લાખ 24 હજાર રૂપિયા ચૂકવ્યા છે ! શું આ નવાબી રજવાડી ઠાઠ નથી ? ત્રણ વર્ષનું લાઈટ બીલ સાડા ત્રણ લાખ રૂપિયા થયું છે.
જયારે આ વિગતો મને મળી ત્યારે એક સામાન્ય નાગરિક તરીકે આપણી આંખો પહોળી થઈ જાય, પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવતા વાલીઓ કે વિદ્યાર્થીઓના ભોગે આવા નકલી અધિકારીને રાજાશાહી ઠાઠમાઠ પૂરો પાડનાર તત્વો કોણ છે, એ આ વૈભવ વિલાસથી પણ મોટો પ્રશ્ન છે. બીજું મને આશ્ચય એ થય છે કે આ નકલી નિમણુંક માટે જવાબદાર કોણ વ્યક્તિ કે વ્યક્તિઓ છે ?? શા માટે ભાજપની ભ્રષ્ટ સરકાર એમના પર પગલા લેતી નથી ?
વિદ્યાના મંદિરમાં વિલાસો આચરનાર આવા નકલી કુલપતિને જો સરકાર બોધપાઠ નહી શીખવે તો એમ જ માનવાનું રહે કે ભાજપ સરકાર પણ આ પાપની ભાગીદાર છે. સરકારે તેમની પાસેથી આ રૂપિયાની વસૂલાત કરવી જોઈએ.