- સુરત, વલસાડ અને નવસારી જિલ્લાની જેમ જ વળતર આપવા માંગણી
વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેમાં જમીન ગુમાવનારા વડોદરા અને ભરૂચ જિલ્લાના ખેડૂતો સંપાદિત થયેલી જમીનના પૂરતા વળતર મુદ્દે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. એકતા ગ્રામીણ પ્રજા વિચાર મંચના મુખ્ય સંચાલકના કહેવા મુજબ વડોદરાના આશરે 900 અને ભરૂચના આશરે 1400 ખેડૂતો વળતર આપવાની નીતિથી નાખુશ છે. ખેડૂતોને થતા અન્યાય મુદ્દે વડાપ્રધાન અને મુખ્યમંત્રી તેમજ સંબંધિત મંત્રીઓને પત્ર લખવામાં આવ્યા છે.
તેમના કહેવા મુજબ એક્સપ્રેસ-વે, બુલેટ ટ્રેનમાં 2011 પ્રમાણેની જંત્રી મુજબ વળતર આપવાની નીતિ સામે વિરોધ થતાં તેને ધ્યાનમાં રાખીને પરિપત્રો બહાર પાડી સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને અનુક્રમે પ્રતિ ચોરસ મીટર 891, 900 અને 1040 રૂપિયા વળતર આપવા આરબીટ્રેટરે હુકમ કરતા તે મુજબ વળતર ચૂકવી દીધું છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે ભરૂચ અને વડોદરા જિલ્લાના ખેડૂતોને સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના ખેડૂતોને વળતર અપાયું છે, તેવું આપવા આશ્વાસન દીધું હતું, પરંતુ અપાયું નથી. હાલ ભરૂચ જિલ્લામાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે એક જ રાજ્યના ખેડૂતોની સંપાદિત જમીનનું વળતર ચૂકવવામાં ભેદભાવની નીતિ અપનાવતા ખેડૂતોએ સમાન વળતર ચૂકવી અન્યાય નહીં કરવા માંગ કરી છે.