- કરજણ પોલીસ દ્વારા ટોલનાકા પાસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- મૂળ નિવાસી એકતા મંચ અને સ્થાનિકોએ ટોલનાકાના મેનેજરને રજૂઆત કરી 10 દિવસમાં માગ પૂરી નહીં થાય તો હાઇવેજામની ચીમકી ઉચ્ચારી
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલા ભરથાણા ટોલ નાકા ઉપર કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. ટોલ નાકાના મેનેજરને રજૂઆત કરી હતી અને આગામી 10 દિવસમાં માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હાઇવે પર ચક્કાજામની ચીમકી ઉચ્ચારી હતી.
વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલનાકા પરથી પસાર થતા કરજણ તાલુકાના વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની માગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મૂળ નિવાસી એકતા મંચના અધ્યક્ષ સહિત કાર્યકરોએ ટોલનાકા પાસે એકત્ર થઇ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યાર બાદ ભરથાણા ટોલનાકાના મેનેજરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજૂઆત કરી હતી. આ સમયે કરજણ પોલીસે ટોલનાકા પાસે બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મૂળ નિવાસી એકતા સંઘના અધ્યક્ષ મિનેશ પરમારે જણાવ્યું હતું કે, કરજણ ટોલ પ્લાઝા પર ભારત સરકાર અને એલ એન્ડ ટી કંપની વચ્ચે કરાર થયો હતો. જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તેમ છતાં ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સના દરમાં કોઈ ઘટાડો કર્યો નથી. જુના દર પ્રમાણે જ વાહન ચાલકો પાસેથી ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે. જે ભારત સરકાર સાથેના કરારનું ઉલ્લઘન છે.
તેઓએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત કરજણ તાલુકાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગણી છે. અગાઉ આંદોલન થયા બાદ કરજણ તાલુકાના વાહનોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવાની વાતો થઈ હતી, પરંતુ તેનું પાલન થયું નથી. આ ઉપરાંત સર્વિસ રોડ બનાવવાનો હતો. તે પણ બનાવવામાં આવ્યો નથી. આજે આ બાબતે ટોલ પ્લાઝાના મેનેજરને રજૂઆત કરી છે અને આગામી 10 દિવસ અમારી માંગણીઓ પૂર્ણ નહીં થાય તો હાઇવે પર ચક્કાજામ કરીશું.