- ચૈતર વસાવાએ ઘટનાને વખોડી નરાધમને કડક કાર્યવાહી કરી ફાંસીની સજા મળે માંગ કરી
- આપણા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બીજા રાજ્યના મુખ્યમંત્રી કે સરકારને સલાહ આપે છે, લાંબા લાંબા ટ્વીટ કરે છે, ત્યારે આ શ્રમજીવીની દીકરી સાથે આવું બન્યું ત્યારે એકપણ નેતા કે સરકારના એકપણ વ્યક્તિ બોલવા કેમ તૈયાર નથી?
ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાત સહિત દેશભરમાં પડ્યા છે, ત્યારે હવે આ બાળકીની સ્થિતિ જાણવા વિપક્ષી નેતાઓની હરોળ જામી છે. સૌ પ્રથમ ઝારખંડ સરકારના ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહ અને ત્યાર બાદ ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પીડિતા અને પરિવારની મુલાકાત લીધી હતી, ત્યારે આજે ડેડિયાપાડાના MLA ચૈતર વસાવા બાળકીની સ્થિતિ જાણવા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા.
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ઝઘડિયા ખાતે જે 10 વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી તેની તબિયત અને સ્થિતિ શું છે તે જોવા માટે અમે SSG હોસ્પિટલ વડોદરા આવ્યા છીએ. ડોક્ટરોની પૂરી ટીમ સાથે અમે ચર્ચા કરી ત્યારે જાણવા મળ્યું કે તેની તબિયત ખૂબ જ નાજુક છે. ડોક્ટરની ટીમ સંપૂર્ણ પ્રયાસો કરી રહી છે. પ્રયત્ન કરી રહી છે કે દીકરીને કોઇપણ પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય. દીકરીના માતા-પિતાને પણ અમે મળ્યા છીએ. દીકરીની માતાની પણ હવે હિંમત ખુટી ગઈ હોય એવી સ્થિતિ છે. તેમની સાથે અમે બેઠા અને તેઓ ખુબ દુખી છે. ત્યારે આજે દીકરીના પરિવારને હિંમત અને સાત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છીએ.
જાન્યુઆરી 2024થી લઇને ડિસેમ્બર 2024 સુધીમાં આવી દુષ્કર્મની ઘટનાઓ જે પ્રકારે ગુજરાતમાં બની છે તે તમે સૌ જાણો છો. અત્યાર સુધીમાં 648 જેટલી દુષ્કર્મની ઘટનાઓ સગીર બાળકીઓ સાથે બની છે. દાહોદની વાત હોય કે સુરતની વાત હોય, બારડોલી હોય કે ભાવનગર કે પછી અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ બની છે તે ખૂબ જ નિંદનીય છે. સરકાર સામે અમે માગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટના ઘટી છે. આવા આરોપીઓ સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે અને તેમને ફાંસી સુધી પહોંચાડવાનો દાખલો બેસાડવામાં આવે. ફરી કોઇ વ્યક્તિ આવા વિચાર પણ ન કરી શકે એવી સજા આપવાની અમે માગ કરીએ છીએ.
ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે ગુજરાત સરકારને કહેવા માગું છું કે, આપણે જે સુરક્ષિત ગુજરાતની વાતો કરીએ છીએ. મહિલા સલામતીની વાતો કરીએ છીએ. આપણે બેટી પઢાવો બેટી બચાવોની વાતો કરીએ છીએ. પણ આપણું ગુજરાત સુરક્ષિત નથી. કોઇપણ દેશમાં કે કોઇપણ રાજ્યમાં આવી ઘટના ઘટવી ન જોઇએ. જ્યાં પણ ઘટના ઘટે તે નિંદનીય છે. જ્યારે બીજા રાજ્યમાં કોઇ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી બીજા રાજ્યના મુખ્યમંત્રી કે સરકારને સલાહ આપવા નીકળે છે. લાંબા લાંબા ટ્વિટર પર ટ્વીટ કરે છે. કેન્ડલ માર્ચ કાઢવામાં વે છે. જ્યારે આ શ્રમજીવીની દીકરી સાથે આવું બન્યું ત્યારે અહીંના સ્થાનિક એકપણ નેતા કે સરકારના એકપણ વ્યક્તિ બોલવા તૈયાર નથી. બધાએ મૌન સેવી લીધું છે.
ગુજરાત સરકારે આ વરવી વાસ્તવિકતા સ્વીકારવી પડશે. ગુજરાતમાં 648 જેટલી ઘટનાઓ આજ દિન સુધી આ વર્ષે જ બની છે. એમના પર ક્યાં સુધી કાર્યવાહી કરી છે સરકારે જવાબ આપવો પડશે. દાહોદમાં છ વર્ષની દીકરી પીંખાઈ ગઈ એની સામે શું કાર્યવાહી કરી? સુરતમાં શું કાર્યવાહી કરી? બારડોલીમાં શું કાર્યવાહી કરી? એ સરકારે આવીને પ્રજા સમક્ષ કહેવું પડશે. ગૃહ રાજ્યમંત્રી શેખી મારવાને બદલે પોતે રાજીનામું આપે. 648 ઘટનાઓ આપણા ગુજરાતમાં બની છે. આજે દીકરીઓ સલામત નથી, આરોપીઓ હિંમત કરે છે એટલે તાત્કાલિક ધોરણે ઝડપી અને કડકમાં કડક કાર્યવાહી થાય અને દાખલા બેસાડવામાં આવે અને આવા રાક્ષસી કૃત્ય કરનારને ફાંસી સુધી લટકાવવામાં આવે એવી અમે માગ કરીએ છીએ.