- ડીને કહ્યું કે, એક સપ્તાહમાં આ કચરો તેમજ ભંગાર ખસેડી લેવાશે
એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના ઐતહાસિક બિલ્ડિંગનું રિનોવેશન કરવામાં આવ્યું છે પણ આ દરમિયાનમાં એકઠો થયેલો ભંગાર અને બીજો કચરો હજી સુધી ફેકલ્ટીમાંથી હટાવવામાં આવ્યો નથી અને વિદ્યાર્થીઓ તેનો વિરોધ કરી રહ્યા છે.
આર્ટસના વિદ્યાર્થી સંગઠન યુવા શક્તિ ગ્રુપનું કહેવુ છે કે, ભંગાર અને બીજુ મટિરિયલ ઢગલો કરીને મુકવામાં આવ્યુ છે. હાલમાં ચોમાસાની સીઝન છે ત્યારે તેમાં સાપ અને બીજા ઝેરી જીવજંતુઓ પણ વસવાટ કરતા હોય તેવી શક્યતા છે. ઉપરાંત મચ્છરોનો ઉપદ્રવ પણ સર્જાવાનો ભય છે. ફેકલ્ટીમાંથી કચરો પણ હટાવાયો નથી અને તેના કારણે સમગ્ર ફેકલ્ટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. દરમિયાન વિદ્યાર્થી સંગઠને આ બાબતનો વિરોધ કરવા માટે આજે ફેકલ્ટીમાં દેખાવો કર્યા હતા અને વિદ્યાર્થીઓ કચરો લઈને ડીનની ઓફિસમાં પહોંચ્યા હતા.
વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, ગયા અઠવાડિયે પણ કચરો હટાવવા માટે રજૂઆત કરવા છતાં પણ ફેકલ્ટી દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. બીજી તરફ ડીને વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, એક સપ્તાહમાં આ કચરો તેમજ ભંગાર ખસેડી લેવામાં આવશે.
ઉપરાંત વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી તરફથી આર્ટસ ફેકલ્ટીમાં આવવાના રસ્તા પરના ગેટને પણ ખોલવા માટે માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે કરોડોના ખર્ચે ફેકલ્ટીનુ રિનોવેશન કરવામાં આવ્યુ છે પણ હજી સુધી કેટલાક ક્લાસમાં બ્લેક બોર્ડ પણ મુકવામાં નહીં આવ્યા હોવાની ફરિયાદો ઉઠી છે. આ સિવાય ગત વર્ષે આંદોલન કર્યા પછી પણ વિદ્યાર્થીઓ માટે વોશરૂમની સમસ્યા પણ ઠેર ની ઠેર છે.