ડભોઇ તાલુકાની ઓરસંગ નદી પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પરથી 13 વર્ષના દીપડાનો મૃતદેહ મળ્યો

આજે સવારે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલો દીપડો ટ્રેનની અડફેટે આવી જતા મોત ભેટ્યો હતો!

MailVadodara.com - Dead-body-of-13-year-old-leopard-found-on-railway-track-passing-by-Orsang-river-in-Dabhoi-taluka

- દીપડાનો મૃતદેહ ડભોઇ વનવિભાગની કચેરી ખાતે લાવી તેનું પોષ્ટમોર્ટમ કરાયું હતું, તે બાદ વન વિભાગના નિયમોનુસાર તેના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા

વડોદરાના ડભોઇ તાલુકાના ઓરસંગ નદી પાસેથી પસાર થતી રેલવે ટ્રેક ઉપર ટ્રેનની અડફેટે એક દીપડાનું મોત નીપજ્યું હતું. ડભોઇ ફોરેસ્ટ વિભાગે દીપડાનો મૃતદેહ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં વડોદરા નજીક શિકારીથી બચવા એક દીપડો ઝાડીમાં ફસાઇ જતાં મોતને ભેટ્યો હતો.


મળેલી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાના ઓરસંગ ગામડી નજીકથી રેલવે ટ્રેક પસાર થાય છે. આજે સવારે આ ટ્રેક ઉપરથી પસાર થઇ રહેલી ટ્રેનના સમયે ટ્રેક ક્રોસ કરી રહેલો દીપડો આવી જતાં મોતને ભેટ્યો હતો. આ બનાવની જાણ ડભોઇ આર.એફ.ઓ. કલ્યાણી ચૌધરીને થતાં તુરંત જ તેઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. મૃત દીપડાને જોવા કેટલાંક કૂતુહલવશ લોકો આવી પહોંચ્યા હતા.

આર.એફ.ઓ.એ જણાવ્યું હતું કે, આ ઘટના સવારે બની હતી. દીપડાનો મૃતદેહ ડભોઇ વનવિભાગની કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું પોષ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. તે બાદ તેના વન વિભાગના નિયમોનુસાર અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દીપડો શિકારની શોધમાં આવી રહ્યો હોવાનું મનાય રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં વડોદરા નજીક શિકારીથી બચવા એક દીપડો ઝાડીમાં ઘૂસી જતાં મોતને ભેટ્યો હતો. તો થોડા સમય પહેલાં ડભોઇ પાસે ટ્રેનની અડફેટે એક મગર આવી જતાં મોતને ભેટ્યો હતો. આમ ઉપરા-છાપરી બે દીપડા અને એક મગરના અકસ્માતે મોત નીપજ્યાં હતા.

Share :

Leave a Comments