કરજણના ફતેપુરા ગામની નર્મદા નદીમાં ગામના પટેલ પરિવારની બે સગી બહેનોના મૃતદેહ મળ્યો

શુક્રવારે બપોરથી રહસ્યમય ગુમ બંને બહેનો મોડી રાત સુધી ઘરે આવી ન હતી

MailVadodara.com - Dead-bodies-of-two-sisters-of-the-Patel-family-of-the-village-were-found-in-Narmada-river-in-Fatepura-village-of-Karajan

- પરિવારજનો બંને દીકરીઓ ડિમ્પલ અને સિધ્ધીના મૃતદેહો જોઇ સ્તબ્ધ થઇ ગયા

- પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ગૃહકલેશના કારણે બંને સગી બહેનોએ નર્મદા નદીમાં પડતું મૂકી મોતને વહાલું કરી લીધું હોવાનં જાણવા મળ્યું


વડોદરાના કરજણ તાલુકાના ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ગામના પટેલ પરિવારની બે સગી બહેનોના ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. શુક્રવારે બપોરથી રહસ્યમય ગુમ બંને બહેનોના મૃતદેહ આજે નર્મદા નદીમાંથી મળી આવતા પંથકમાં ચકચાર મચી ગઇ હતી. કહેવાય છે કે, ગૃહકલેશમાં બંને બહેનોએ નર્મદા નદીમાં પડતું મૂકી મોતને વહાલું કરી લીધું છે. આ બનાવ અંગે કરજણ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


મળેલી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના ફતેપુરા ગામમાં પ્રવિણભાઇ પટેલ પરિવાર સાથે રહે છે. તેમની બે દીકરીઓ ડિમ્પલ (ઉં.19) અને સિધ્ધી (ઉં.17) શુક્રવારે બપોરે ઘરેથી જતી રહી હતી. બંને બહેનો કલાકો સુધી પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પરંતુ, મોડી રાત સુધી બંનેનો પત્તો મળ્યો ન હતો.

દરમિયાન ફતેપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં બે યુવતીઓના સ્થાનિક લોકોએ મૃતદેહો તરતા જોતા ચોંકી ઉઠ્યા હતા. અને સ્થાનિક માછીમારોની મદદ લઇ મૃતદેહોને બહાર કઢાયા હતા. બીજી બાજુ ગામની બે બહેનો ડિમ્પલ અને સિધ્ધી શુક્રવારે બપોરથી ગુમ હોઇ, પ્રવિણભાઇ પટેલ તેમજ તેમના પરિવારજનો નર્મદા કિનારે દોડી ગયા હતા. જ્યાં તેઓએ યુવતીઓના મૃતદેહો જોતા અને બંને પોતાની જ દીકીરીઓ હોવાનું જોતા, સ્તબ્ધ થઇ ગયા હતા.


ગામની બે સગી બહેનોની નર્મદા નદીમાંથી મૃતદેહો મળ્યા હોવાની વાત ગણતરીની મિનીટોમાં ગામમાં વાયુવેગે પ્રસરી જતા હાહાકાર મચી ગયો હતો. તે સાથે તાલુકા પંથકમાં આ બનાવ વીજળી વેગે પ્રસરી જતા ચકચાર મચી ગઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને ડિમ્પલ અને સિધ્ધી નામની બંને બહેનોના મૃતદેહોનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે કરજણ મોકલી આપ્યો હતો.


આ સનસની ખેજ બનાવ અંગે પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં બંને બહેનો છેલ્લા 3 વર્ષથી ફતેપુરા ગામમાં રહેતી હતી. અને તે પહેલાં તેઓ વડોદરામાં અભ્યાસ કરતી હતી. શુક્રવારે બપોરના સમયે બંને સગી બહેનો ડિમ્પલ અને સિધ્ધી ગૃહકલેશના કારણે ઘરેથી નીકળી ગઇ હતી. આ દરમિયાન તેઓના આજે બપોરે ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાંથી મૃતદેહો મળી આવ્યા હતા. પોલીસની વધુ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Share :

Leave a Comments