- કેટલાક લોકોના ઘરમાં રાત્રે જમવાનું નથી બન્યું : સ્થાનિક રહીશ
શહેરના બરાનપુરા વિસ્તારમાં ગતરાત્રે અંધારપટ છવાયો હતો. જેને કારણે આખીરાત લોકોને અંધારામાં પસાર કરવી પડી હતી. અલબત્ત અસહ્ય ઉકળાટને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. આ સ્થિતિ વચ્ચે વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરાનપુરા વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વીજળીના ધાંધીયાથી વિસ્તારમાં 10 હજાર ઉપરાંત લોકો હેરાન થઇ રહ્યા છે.
વડોદરા શહેરના બરાનપુરાથી વિજયનગર સોસાયટી ગંગોત્રી એપાર્ટમેન્ટ સુધી વીજ પુરવઠો ખોરવાતા સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા હતા. સાંજે 6 વાગ્યાથી લાઈટો ગુલ થઈ હતી. મોડી રાત સુધી વીજ પુરવઠો કાર્યરત નહિ થતા બરાનપુરા સ્થિત જીબીઈની પેટા વિભાગીય કચેરીમાં સ્થાનિકોએ મોરચો માંડી હોબાળો મચાવ્યો હતો. લોકોએ અવારનવાર વીજપુરવઠો ખોરવાઇ જવાના કારણે લોકોના ઇલેક્ટ્રોનિક ઉપકરણોને પણ નુકસાન થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. વિજ કચેરીએ મોટી સંખ્યામાં લોકો પહોંચી જતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી.
સ્થાનિક લલિતભાઈ જયસ્વાલે જણાવ્યું હતું કે, સમગ્ર બરાનપુરા વિસ્તારમાં સાંજે 6 વાગ્યાથી લાઈટો બંધ છે. જ્યારે પણ જીઈબી ઓફિસમાં પૂછવામાં આવે છે તો કહે છે કે અડધો કલાકમાં ચાલુ થઈ જશે પણ ચાલુ થઈ નહોતી. અંતે એવું થયું કે હવે તેઓને ફોલ્ટ પણ નથી મળતો. અમારા ઘરમાં નાના બાળકો છે. ઉંમરલાયક વ્યક્તિઓ છે એમને ગભરામણ થાય છે. લોકોના ઘરોમાં રાત્રે જમવાનું નથી બનાવ્યું, ફોલ્ટ થાય પણ વ્યવસ્થિત જવાબ અપાતો નથી. જે ઓફિસમાં જવાબદાર અધિકારી છે તે ફોન રિસીવ કરતા નથી. ચાર માણસ કેવી રીતે કરી શકે. આટલો મોટો ફોલ્ટ થતો હોય પણ કોઈ છે નહીં, 10થી 15 હજાર માણસ હેરાન-પરેશાન થયા છે.
ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ગરમીના કારણે નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બપોરના સુમારે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. તો છેલ્લા કેટલાંક દિવસોથી શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાતો હોવાના બનાવો સામે આવી રહ્યા છે. પહેલા વાઘોડિયા રોડ બાદમાં ગોરવા જ્યારે મોડીરાત્રિએ સમગ્ર બરાનપુરા વિસ્તારમાં લાઈટો ગુલ થતા રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા.