- શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ એ બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો, નેતાઓનો અને મતદારોનો આભાર માનું છું : ડીજીપી
રાજ્ય પોલીસવડા (DGP) વિકાસ સહાય આજે વડોદરા શહેરની મુલાકાતે છે, જ્યાં તેમણે પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત તેમણે વડોદરા રેન્જના અધિકારીઓ સાથે પણ બેઠક યોજીને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. રાજ્ય પોલીસવડા (DGP) વિકાસ સહાયે જણાવ્યું હતું કે કાયદો-વ્યવસ્થા અને સાંપ્રદાયિક મદ્દા પડકારરૂપ હતાં. અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા પછીના બીજા દિવસે જ ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરે થાય એના માટે તમામને શુભેચ્છાઓ.
ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પ્રચારના સમયગાળામાં અને મતદાનના દિવસે અધિકારીઓ અને કર્મચારીઓએ ફોક્સ કરીને કામગીરી કરવામાં આવી હતી. ચૂંટણીપંચના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસના વડા તરીકે મને ખૂબ સંતોષ છે, સાથે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચૂંટણીમાં અનેક પડકારો હતા, પરંતુ એ પકડારો વચ્ચે પોલીસે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કર્યું છે. કોઈ અનિચ્છનીય બનાવ પણ બન્યો નથી. આજે વડોદરા શહેર અને વડોદરા રેન્જના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક થઈ હતી. બેઠકમાં લોકસભા ચૂંટણીમાં સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી એ બદલ વડોદરા શહેર અને વડોદરા રેન્જ પોલીસના અધિકારીઓને અભિનંદન પાઠવ્યા છે અને આભાર પણ વ્યક્ત કર્યો છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી કરે એવી શુભેચ્છાઓ પાઠવું છું.
તેમણે ઉમેર્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ એ બદલ ગુજરાત પોલીસ વતી હું દરેક રાજકીય પક્ષના આગેવાનો અને નેતાઓનો આભાર માનું છું અને મતદારોનો પણ આભાર માનું છું. લોકસભા ચૂંટણીમાં અનેક પકડારોનો સામનો કરવો પડતો હોય છે. કાયદો-વ્યવસ્થા અને કોમ્યુનલ ઇસ્યુ સહિતના મુદ્દાઓ પર કામગીરી મતદાનના 2 મહિના પહેલાં શરૂ થઈ જાય છે. ગુજરાત પોલીસના દરેક અધિકારી અને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓની સારી કામગીરીને કારણે ચૂંટણીપ્રક્રિયા સારી રીતે પૂર્ણ થઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગરમીના દિવસોમાં ચૂંટણીની કામગીરી દરમિયાન ફૂડ પેકેડ અને ઓઆરએસ સહિતની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને એમાં માટે ફંડ પણ મળ્યું હતું. ગુજરાત બહારથી સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના કર્મચારીઓ સંતોષના ભાવનાથી પરત ફર્યા છે. તેમના માટે દરેક જિલ્લામાં પોલીસ દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમના મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવ્યાં હતાં, જેમાં 2 કર્મચારીનાં ઓપરેશન પણ કરવામાં આવ્યાં હતાં અને સારવાર પણ કરવામાં આવી હતી, જેનાથી મને ખૂબ સંતોષ છે.