- સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો
- બાળકોને વાલી લેવા ન આવે ત્યાં સુધી બાળકોની તકેદારી રાખવા સૂચના અપાઇ
હાલમાં સમગ્ર રાજ્યમાં અગનવર્ષા વરસી રહી છે. ઉનાળાની શરૂઆત થતાં જ સૂર્યદેવે પ્રકોપ દેખાડી રહ્યા છે, ત્યારે આ અંગે દઝાડતી ગરમીથી નાગરિકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો હિટવેવનો શિકાર ન બને તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
હાલ સમગ્ર રાજ્યમાં હીટવેવને લઈને જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓમાં પરિપત્ર પાઠવ્યો છે. ઉનાળુ વેકેશન દરમિયાન પણ કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા સૂચના આપવામાં આવી છે. હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ પણ બાળકોને આપવા આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, શાળાઓએ પરિપત્રનું પાલન નહીં કરે તો કડક કાર્યવાહી પણ કરાશે.
વડોદરા શહેર-જિલ્લામાં અભ્યાસ કરતા બાળકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે અને શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે તમામ શાળાઓનો સમય સવારે 6થી લઈ 11 વાગ્યા સુધીનો કરવામાં આવ્યો છે. જેના કારણે બાળકોને ગરમીથી આંશિક રાહત મળશે. આ અંગે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર મળતાની સાથે તમામ શાળાઓને સૂચનાઓ આપવામાં આવી છે અને તે સૂચનાઓ અંતર્ગત અમલીકરણ થાય તે માટે જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા છે.
આ અંગે DEO આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, હિટવેવ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગરમીની અસરો છે. જે અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. જે અંતર્ગત યથા યોગ્ય આવશ્યક સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં શાળાઓનો સમય સવારે 6થી 1 વાગ્યા સુધીનો રાખવો. તે સંદર્ભે ગાંધીનગરની કચેરીથી અહીંની કચેરીને સૂચના મળી છે.
વધુમાં કહ્યું કે, આ પરિપત્ર આજે શાળાઓને મોકલી આપવામાં આવ્યો છે અને બાળકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તે બાબતે અગાઉથી સૂચના આપવામાં આવેલી છે. અગાઉ મિટિંગોમાં પણ કહ્યું છે કે, ગરમીની સિઝનમાં બે ઘડી માટે પણ તડકામાં ન ઊભું રહે જ્યાં સુધી માતા-પિતા લેવા ન આવે ત્યાં સુધી તે બાબતની પૂરતી તકેદારી રાખવી જોઈએ. સાથે બાળકોને પણ સૂચના અપાય છે કે ગરમીની સિઝન છે તો વધુમાં વધુ પાણી પીવું જોઈએ.