- ફરિયાદીને 20% પ્રોફિટ આપવાની લાલચે ભેજાબાજોએ 75.37ની છેતરપિંડી કરી હતી
ફોરેકસમાં ટ્રેડ કરવાના બહાને ઠગાઇ કરતી વડોદરાની ટોળકીના 4 શખસોની વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરામાં રહેતા ફરિયાદી સાથે 20% પ્રોફિટ આપવાની લાલચ આપીને ભેજાબાજોએ 75.37 રૂપિયા છેતરપિંડી કરી હતી.
વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે, તેઓને ટેલિગ્રામ પર ઓનલાઇન ટ્રેડિંગ અંગેનો મેસેજ આવ્યો હતો. તેઓને જણાવ્યું હતું કે, તેઓ ઓનલાઇન ટ્રેડિંગ કરે છે અને 10થી 20% પ્રોફિટ મેળવે છે. તેઓએ ફરિયાદીને ઓનલાઇન ટ્રેડિંગમાં સારો પ્રોફિટ મેળવવા માટે વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ ફરિયાદીએ મળેલી ટિપ્સ આધારે ટ્રેડિંગ ચાલુ કર્યું હતું અને નફો વિડ્રો કર્યું હતું. જેથી ફરિયાદી વિશ્વાસમાં આવી ગયા હતા.
ત્યારબાદ વધુ નફો મેળવવા માટે ફરિયાદીએ ટુકડે ટુકડે 75.80 લાખ રૂપિયા વેબસાઈટમાં જમાં કરાવ્યા હતા. જેમાં પ્રોફિટ રૂપે 4,73,259 ડોલર બતાવતા હતા. આ પ્રોફિટને વિડ્રો કરવા માટે ફરિયાદીને 30% ટેક્ષ ભરવા જણાવ્યું હતું. ફરિયાદીને પોતાના મિત્ર સાથે વાત કરતા આ બધુ ફ્રોડ હોવાનો ખ્યાલ આવતા પોતાની સાથે 75.37 રૂપિયા છેતરપિંડી થઈ હતી. જેથી આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસની મદદથી તપાસ કરતા આરોપીઓની વડોદરાથી ધડપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અજબડી મીલ રોડ વિસ્તારમાં રહેતા આરોપી ફરદીન રૂકનુદીન સૈયદ (ઉ.વ.22) અને આરોપી ફયાઝઉદીન સલાઉદીન સૈયદ (ઉ.વ.27)એ ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. હાલમાં બંને ટી.વી રિપેરિંગનું કામ કરે છે. ફરીદીન એકાઉન્ટ હોલ્ડર છે. તેણે પોતાનુ એકાઉંટ પોતાના સહઆરોપીને વાપરવા સોંપી દીધું છે, જેના માટે તેણે આર્થિક લાભ લીધો છે, જ્યારે ફયાઝઉદીને આરોપી ફરદીનનું એકાઉન્ટ ખોલાવવા માટે એજન્ટ તરીકે કામ કર્યું છે, જેના માટે તેણે આર્થિક લાભ લીધો છે.
યાકુતપુરા વિસ્તારમાં રહેતો આરોપી ઇમરાન ફાદરભાઇ શેખ ધોરણ 10 નાપાસ છે અને હાલમાં ચોકલેટ અને વેફર્સનો રીટેલમાં ધંધો કરે છે. ઇમરાને આરોપી ફરદીનનું એકાઉન્ટ ખોલવાની કામગીરી કરી પોતાના સહઆરોપી મોહસીનને સોંપી દીધું છે, જેમાં તેણે આર્થિક લાભ લીધો છે, જ્યારે તાંદલજા વિસ્તારમાં રહેતો આરોપી મૌસીન ગુલામહસન શેખે ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. હાલ એ.સી. ફિટિંગ અને રિપેરિંગનું કામ કરે છે તથા આરોપી મૌસીને ઇમરાન પાસેથી મળેલ એકાઉન્ટ પોતાના સહઆરોપીને સોંપી દીધુ છે અને તેણે આર્થિક લાભ લીધો છે.