- પાલિકાના મોટા ભાગના કાઉન્સિલરો પોતાને સર્વ ગુણ સંપન માને છે..!
- વર્ચસ્વ જાળવી રાખવા મોટા નેતાઓ તેમની ચાપલુસી કરતા કાઉન્સિલરોને સત્તા અપાવવા લોબિંગ કરે છે..! લાયકાત કોરાણે મુકાઈ જાય છે..!
સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં ભાજપની નો રિપીટ ની જાહેરાત થતા ની સાથે વિવિધ હોદ્દાઓ પર પસંદગી પામવા દાવેદારોનો ઉત્સાહ ચરમસીમાએ છે. વડોદરા મહાનગર પાલિકાના મેયર, ડે. મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, દંડક અને નેતા પદ માટે કાઉન્સિલરો આકાશ પાતાળ એક કરી કરી રહ્યા છે. જો કે ભાજપમાં અન-અપેક્ષિત નામો જાહેર કરવાની પરંપરા પણ દાવેદારોમાં ચિંતાનું કારણ બની રહ્યું છે.
મહાનગર પાલિકાના નવા હોદેદારો ની જાહેરાતને ગણતરીના દિવસો બાકી છે ત્યારે મલાઈદાર પદો માટે દાવેદારો બેબાકળા બની રહ્યા છે. પોત પોતાના ગોડ ફાધરોના શરણોમાં દોડી રહેલા દાવેદારો મરણીયા પ્રયાસો કરી રહ્યા છે. પાલિકાના વિવિધ પદો માટે પક્ષમા કેટલાક દાવેદારોના નામો ચર્ચામાં મોખરે છે. મેયર પદ માટે મહિલા કાઉન્સિલર ની પસંદગી થશે. મેયર પદ માટે હેમીષા ઠક્કર નું નામ સૌથી ઉપર છે. જયારે આ સિવાય ના તેજલ વ્યાસ, રાખી શાહ અને અવની સ્ટેમ્પવાલા ના નામો ચાલી રહ્યા છે. ડે. મેયર પદ માટે શૈલેષ પાટીલ અને અજીત દધિચ ના નામો મોખરે છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ માટે મનોજ પટેલ અને શીતલ મિસ્ત્રી ના નામો આગળ છે. જો કે હેમીષા ઠક્કર ની પસંદગી મેયર તરીકે થાય તો તેમના જ વોર્ડના શીતલ મિસ્ત્રી ને સ્થાયી સમિતિ ના અધ્યક્ષ પદ મળવું મુશ્કેલ છે. કારણ કે સામાન્ય સંજોગોમાં એક જ વોર્ડમાંથી બે હોદ્દા આપવામાં આવતા નથી. દંડક માટે સૌથી વધુ મતે જીતવાનો વિક્રમ સ્થાપનાર યુવાન કાઉન્સિલર શ્રીરંગ આયરે અને ઘનશ્યામ સોલંકીના નામો ચર્ચામાં છે. જયારે પક્ષના નેતામાં નીતિન દોંગા અને મનીષ પગારે ના નામો આગળ છે.
જે નામો ચર્ચાઈ રહ્યા છે એમાં વિધાનસભાની બેઠક પ્રમાણે કાઉન્સિલરો જોઈએ તો વિવિધ હોદ્દા માટે શહેર-વાડી બેઠકમાં આવતા હેમીષા ઠક્કર, તેજલ વ્યાસ, અજીત દધિચ, રાખી શાહ અને શીતલ મિસ્ત્રી વચ્ચે સ્પર્ધા છે. રાવપુરા બેઠક પર મનોજ પટેલ અને ઘનશ્યામ સોલંકી, અકોટા બેઠકમાં આવતા નીતિન દોંગા અને મનીષ પગારે વચ્ચે સ્પર્ધા છે. સયાજીગંજ બેઠક પર શ્રી રંગ આયરે એક માત્ર દાવેદાર છે. માંજલપુર બેઠકમાં આવતા કાઉન્સિલરો માં શૈલેષ પાટીલ અને ઘનશ્યામ પટેલ નો સમાવેશ થાય છે. આ સિવાય નરવીરસિંહ ચુડાસમાઅને સ્નેહલ પટેલ ના નામો પણ ચર્ચામાં છે.
ભાજપમાં પસંદગી માટે સંખ્યાબંધ વિકલ્પો હોવાને કારણે મોટાભાગે એવુ પણ બને છે કે જે નામો ચર્ચામાં હોય છે એ નામો ના બદલે નવા નામો જ જાહેર થાય છે.