વડોદરામાં વિશ્વામિત્રીમાં પાણીની સપાટી વધતા મગરો કિનારા તરફ પહોંચ્યા, મોડી રાત્રે 3 મગરોનું રેસ્ક્યુ કરાયું

ત્રણ અલગ અલગ વિસ્તારોમાં ફરી રહેલા મગરોનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયું

MailVadodara.com - Crocodiles-reach-shore-as-water-level-rises-in-Vishwamitri-in-Vadodara-three-rescued

- એક માસ દરમિયાન વન વિભાગની વિવિધ વાઇલ્ડ લાઇફ સંસ્થાઓ દ્વારા 15 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે


વડોદરા શહેર-જિલ્લા સહિત ઉપરવાસમાં ભારે વરસાદ થયો હતો. પરિણામે શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા નદીમાં વસવાટ કરતા મગરો મોડી રાત્રે નદી કિનારાના ત્રણ વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. જોકે, મગરો કોઇને નુકશાન પહોંચાડે તે પહેલાં વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી વન વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનિય છે કે, પ્રવર્તમાન ચોમાસાની ઋતુના એક માસ દરમિયાન 15 મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લામાં અને તેના ઉપર વાસમાં થયેલા ભારે વરસાદને પગલે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની સપાટી 4 ફૂટ પહોંચી ગઇ હતી. નદીમાં એકાએક પાણીની સપાટી વધતા નદીમાં વસવાટ કરતા મગરો નદી કિનારાના વિસ્તારોમાં આવી પહોંચ્યા હતા. જેમાં ફતેગંજ નરહરી હોસ્પિટલ પાસે, ખોડીયાર નગર ચાર રસ્તા અને હરણી વિસ્તારમાં ત્રણ મગર ધસી આવ્યા હતા.


મગરો ધસી આવતા સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. જોકે, મગર કોઇને નુકશાન પહોંચાડે તે પહેલાં આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગ ટીમના જિગ્નેશ પરમાર, સંજય રાજપૂત, સંદિપ ગુપ્તા અને દર્પણ પરમારની ટીમો પીંજરા સાથે સ્થળ ઉપર પહોંચી ગઇ હતી. અને ત્રણ વિસ્તારોમાં ફરી રહેલા મગરોનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરીને પિંજરામાં પૂર્યા હતા.


વન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો છે. પરિણામે નદીમાં વસતા મગરો બહાર નીકળી આવ્યા હતા. 

મોડી રાત્રે ફતેગંજ કમાટીપુરા, નરહરી હોસ્પિટલ પાસે, હરણી અને ખોડીયાર નગર ચાર રસ્તા વિસ્તારમાં મગરો ધસી આવ્યા હતા. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ કોલ મળતાની સાથે જ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને એક પછી એક ત્રણ મગરોને રેસ્ક્યુ કર્યા હતા. આ ત્રણે મગરોને પુનઃ મુક્ત કરી દેવામાં આવશે. છેલ્લા એક માસ દરમિયાન વન વિભાગની વિવિધ વાઇલ્ડ લાઇફ સંસ્થાઓ દ્વારા 15 જેટલા મગરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

Share :

Leave a Comments