- મૃતદેહ આસપાસ 4થી 5 મગર ફરતા ફાયર બ્રિગેડને મૃતદેહ કાઢવામાં પરસેવો છૂટ્યો, મહિલાની ઓળખ છતી કરવા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરાની વિશ્વામિત્રીમાં અજાણી મહિલાનો મગરે શિકાર કર્યાની ઘટના સામે આવી છે. જેમાં કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ પાસે મહિલાને મગર મોંમાં ખેંચીને લઇ જતાં સ્થાનિક લોકો જોઈ જતા ફાયર વિભાગને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાંની સાથે જ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પાણીમાં રહેલા મહિલાના મહિલાના મૃતદેહની આસપાસ આટા મારી રહેલા ચારથી પાંચ મગરોને કારણે મૃતદેહને બહાર કાઢવામાં ફાયરની રેસ્ક્યુ ટીમને પણ પરસેવો વળી ગયો હતો.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજ ખાતે એક મહિલાને મગર ખેંચીને લઈ જતો હોવાનો આજે સોમવારે સવારે 8 વાગ્યે ફાયર વિભાગના કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો. જેને પગલે દાંડિયા બજાર ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. કાલાઘોડા બ્રિજથી 100 મીટર દૂર ઘટના બની હતી. ફાયર વિભાગે પંચમુખી હનુમાનજી દાદા મંદિર બાજુમાં વિશ્વામિત્રી નદીમાંથી અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મો માંથી મહિલાને છોડાવી હતી અને પોલીસને જાણ કરી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલીસે મહિલાની ઓળખ છતી કરવા અને તેના મોતની પાછળનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે મહિલાએ આત્મહત્યા કરી છે, હત્યા થઈ છે કે મગરના હુમલાથી મહિલાનું મોત થયું હોવાની શક્યતા સેવાઈ રહી છે. આ મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.
રેસ્ક્યુ કરવા ગયેલા ફાયરમેન મનોજ સીતાપરાએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક અમે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થળે લોકો એકઠા થયા હોવાથી મગર મહિલાની બોડીને લઈને અંદર જતો રહ્યો હતો. આસપાસ બીજા પણ મગર હતા. અડધો કલાકની ભારે જહેમત બાદ મગર પાસેથી મહિલાને છોડાવી હતી અને મૃતદેને બહાર કાઢ્યો હતો. મહિલાની આશરે ઉંમર 45થી 50 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે અમે પોલીસને જાણ કરી હતી.