- આરોપી મોહંમદઐયાઝ મુંબઈની કાર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું ખૂલ્યું
વડોદરાના યુવક પાસેથી બે દિવસ માટે કાર ભાડે લઈ ફતેપુરાના ઈસમે કાર ઉદયપુર વેચી દીધી હતી. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી. બનાવને લઈ આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત આરોપી મુંબઈની કાર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એચ.ડી.તુવર સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમે બાતમીના આધારે યાકુતપુરા સરસીયા તળાવ પાસેથી મોહંમદઐયાઝ ઇકબાલભાઈ પરમાર (રહે. હાથીખાના)ને પકડી પાડ્યો હતો. મોહંમદઐયાઝે વાઘોડિયા આમોદ ગામમાં રહેતા સાગરભાઈ જશાભાઈ ડાંગર પાસેથી બે દિવસ માટે રૂપિયા 10 હજારના ભાડા લેખે હેરિયર કાર લીધી હતી. જોકે તે બાદ તેને કાર બારોબાર વેચી દીધી હતી. કાર પરત ન કરતા સાગરભાઈએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં મોહંમદઐયાઝ નાસતો ફરતો હતો. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. મોહંમદઐયાઝ મુંબઈ શહેરના અમ્બોલી પોલીસ સ્ટેશનમાં રૂપિયા 6 લાખની કિંમતની થાર કાર ચોરીના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કાર ભાડે લઇને ઠગાઇ કરનારને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ અને પાણીગેટ પોલીસ સ્ટેશનને આરોપી પકડાયા બાબતે જાણ કરી છે.