વડોદરા શહેરમાંથી ચીલઝડપ કરેલો મોબાઇલ ફોન વેચવા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

3 મહિના અગાઉ વાઘોડિયા રોડ પરથી વ્યક્તિનો મોબાઇલ ઝૂંટવી લીધાની આરોપીની કબૂલાત

MailVadodara.com - Crime-Branch-nabbed-the-accused-who-was-selling-stolen-mobile-phones-from-Vadodara

- આરોપી અગાઉ વડોદરાના સિટી, વારસીયા, વાડી, કારેલીબાગ પોલીસ સ્ટેશન સહિત સુરતના પુના પોલીસ સ્ટેશનમાં ચોરીઓના ગુનાઓમાં પકડાયેલો હતો

વડોદરા શહેરમાં વહેલી સવારના સમયે ચાલતા જતા લોકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ભાગી જવાના ગુનાઓમાં સંડોવાયેલ રીઢા આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાચે ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. 


વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમીદારથી માહિતી મળી હતી કે, ખોડિયારનગર પીળા વુડાના મકાનમાં રહેતો અજય જેસિંગભાઇ મારવાડી રસ્તા પર જતા નાગરીકોના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લેવાના ગુનાઓ કરે છે. આ ચીલઝડપ કરેલો એક મોબાઇલ ફોન વેચવાના ઇરાદે ખોડિયારનગર પાસે મુખીનગર ત્રણ રસ્તા પાસે જાહેરમાં હાજર છે. જેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુખીનગર ત્રણ રસ્તા ખાતે તપાસ કરતાં આરોપી અજય ઉર્ફે પેખડો જેસીંગભાઇ મારવાડી (રહે. પીળા વુડાના મકાન, ખોડીયારનગર, ન્યુ વી.આઇ.પી.રોડ, વડોદરા) મળી આવ્યો હતો. જેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. તેની સઘન પુછપરછમાં તેને આ મોબાઇલ તેના બે સાગરીત સાથે મળીને ત્રણ મહિના પહેલાં વાઘોડીયા રોડના પરીવાર ચાર રસ્તા પાસેથી વહેલી સવારના ચાલતા જઇ રહેલા વ્યક્તિના હાથમાંથી ઝૂંટવી લીધો હોવાનું કબૂલ્યું હતું.

આરોપી અજય ઉર્ફે પેખડો મારવાડી અગાઉ વડોદરા શહેરના સિટી, વારસીયા, વાડી, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં તેમજ સુરત શહેરના પુના પોલીસ સ્ટેશનમાં ચોરીઓના ગુનાઓમાં પકડાયેલો હતો અને તેની આ ગુનાહિત પ્રવૃતીના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં પણ ગયો હતો.

Share :

Leave a Comments