- પેન્ટાલુન્સ સ્ટોરમાંથી ડિલિવરી માટે લીધેલા કપડાંના પાર્સલ ખોલી કપડાંની ચોરી કરીને બોક્સને સેલોટેપ મારી કામને અંજામ આપતા, 64 હજારનો મુદ્દામાલ જપ્ત
વડોદરામાં ખાનગી કંપનીના શો-રૂમ દ્વારા મહારાષ્ટના ભિવંડી ખાતે બ્રાન્ડેડ કપડાં મોકલવામાં આવતા તેમાંથી પથ્થરો નીકળ્યા હતા. આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. ગેંડા સર્કલ પાસે ખાનગી કંપનીનું કુરિયર કરવા માટે 4 ડિલિવરી બોય્સે 15 દિવસ પહેલા કુરિયરમાંથી સ્ત્રી-પુરૂષના કપડાંના પાર્સલની ચોરી કરી હતી. જે કપડાં તેઓ વેચવાની તૈયારીમાં હતા અને દશરથ ગામ પાસે પાણીની ટાંકી પાસે ઉભા હતા. જે માહિતી મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પાર્સલમાંથી 64 હજારના બ્રાન્ડેડ કપડાંની ચોરી કરનાર 4 આરોપીની ધરપકડ કરી છે અને પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાની ખાનગી ડિલિવરી સર્વિસ કંપની તરફથી બ્રાન્ડેડ કપડાંઓના 27 જેટલા બોક્સ મહારાષ્ટના ભીવંડી ખાતે ડિલિવરી કરવામાં આવ્યા હતા. જ્યાં આ બોક્સ ખોલીને જોતા તેમાંથી કપડાંને બદલે પથ્થરો મળી આવ્યાં હતા. જેથી આ અંગે ડિલિવરી કંપનીએ ખાતરી કરતા ડિલિવરી કંપનીમાં કામ કરતા 4 તેમજ અન્ય બે મળી કૂલ 6 શખસ દ્વારા પાર્સલમાંથી 64 હજારની કિંમતના કપડાંની ચોરી કરી હોવાની ફરીયાદ ગોરવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી.
જેને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આરોપીઓની માહિતી મળતાની સાથે દશરથ ખાતે પહોંચી હતી અને ડિલિવરી બોય તરીકે કામ કરી કપડાંની ચોરી કરનાર નીરજ ઉર્ફે નીલુ પ્રવિણભાઇ યાદવ, મયંક મહેન્દ્રસિંહ રાઠોડ, ભાવિક રાજુભાઇ ભીલ અને આશિષ અશોકભાઇ પટેલની ધરપકડ કરીને તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ કરતા તેઓ પાર્સલ ડિલિવરી કંપનીમાં કામ કરતા હતા અને ગેંડા સર્કલ સ્થિત પેન્ટાલુન્સ સ્ટોરમાંથી ડિલિવરી માટે લીધેલા કપડાંના બોક્સ પાર્સલ ખોલી તેમાંથી કપડાંની ચોરી કરીને ફરી પાર્સલ બોક્સને સેલોટેપ મારી કામને અંજામ આપતા હતા.
વડોદરા ક્રાઇમ બ્રાંચના PI આર.જી. જાડેજા અને PI એચ.ડી. તુવરની સૂચનાથી ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ શરૂ કરી હતી. આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 4 આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી જુદી-જુદી કલરનીના ટીશર્ટ, 37 લેડીઝ ટોપ, રોકડ રકમ અને 4 મોબાઇલ સહિત કુલ 35,463 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ચારેય આરોપીને ગોરવા પોલીસને સોંપ્યા છે. ગોરવા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.