- કાયદાના પાલનમા સરકારી વાહનો સામે પોલીસની બેધારી નીતિ નિર્દોષ નાગરિકોનો ભોગ લેશે.!
- જ્યાં ટુ- વ્હીલર અને નાના વાહનો ચાલે ત્યા એસ.ટી ચાલકો બેફામ બસ દોડાવે છે
વડોદરા શહેરમાં ટ્રાફિકના નિયમો અને કાયદાનું પાલન કરાવવાની જેની જવાબદારી છે એ ટ્રાફિક વિભાગની મહેરબાની થી એસ. ટી બસો માતેલા સાંઢ ની જેમ દોડે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ટ્રાફિક વિભાગ ને બેફામ દોડતી બસો ક્યાંક કાયદાનું ઉલ્લંઘન કરતી જણાતી નથી.
વડોદરા શહેરમાં ટ્રાફિકની જટિલ સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસ બે ધારી નીતિ અપનાવે છે. ઈચ્છા શક્તિ નો અભાવ કહો કે કાયદાની જાણકારીની અજ્ઞાનતા, પોલીસના પાપે નાના વાહન ચાલકોના માથે સડકો પર જોખમ ડગલે ને પગલે ઉભું રહે છે. એક માહિતી ટ્રાફિક વિભાગ તરફથી એસ. ટી બસના ડ્રાયવરોને ટ્રાફિકના નિયમન ના ભંગ બદલ મેમો કે દંડ ની કાર્યવાહી નહીવત બરાબર છે.. એસ. ટી બસ ચાલકો સામે અન્ય વાહનચાલકો સામે થતી હોય એવી દંડનીય કાર્યવાહી જોવા મળતી નથી. એનો અર્થ એ થયો કે એસ. ટી. બસના ચાલકો શહેરની સડકો પર એસ. ટી. બસો ટ્રાફિકના નિયમ મુજબ ચલાવે છે.
શું ટ્રાફિક વિભાગ આંખ આડા કાન કરે છે ? આ માટે સ્થળ તપાસ કરવી જરૂરી હતી. એટલે 'મેઈલ વડોદરા' ની ની ટીમે શહેરના ટ્રાફિક થી ધમધમતા BSNL જંક્શન પર એસ. ટી ચાલકો બસ કેવી રીતે હંકારે છે એ તપાસ્યુ. આ જંક્શન પર એસ. ટી ચાલકો બેફામ બસ હંકારે છે. બસ ભારદારી વાહનની શ્રેણી માં આવે છે અને એટલે બસ પહેલી લાઈનમાં ચલાવવાને બદલે એસ. ટી. ચાલકો બીજી લાઈનમાં વાહન ચલાવે છે, જે નાના વાહનો જેવા કે ટુ-વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
- એરકન્ડિશન ઓફિસોમા બેસી ડાહી-ડાહી વાતો કરતા અધિકારીઓ ટુ- વ્હીલર લઈને નીકળે તો ખબર પડે..!
અત્રે ઉલ્લેખનીય છે કે BSNL જંક્શનથી માંડ ૧૦૦ મીટરના અંતરે પોલીસ કમિશ્ર્નર ની કચેરી આવેલી છે. આ જંક્શન પર સીસીટીવી કેમેરા પણ લાગેલા છે. જો કોઈ ટુ-વ્હીલર ટ્રાફીક નિયમન નો ભંગ કરે તો ડંડાઈ જાય. અહીં ટ્રાફિક પોલીસ પણ ઉભા રહે છે. આ સિવાય સીસીટીવી કેમેરા સામે પોલીસની હાજરીમા એસ. ટી. બસો ઝેબ્રા ક્રો્સિંગ પર ઉભી રહે છે.