- પીડિતા અને તેના બાળકને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો
- આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ હોટલમાં દુષ્કર્મ આચર્યું હતું, 20 હજારનો દંડની સજા અને દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેસની સજા ફરમાવી
વડોદરા શહેરની સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો કેસમાં વડોદરા સેશન્સ કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે અને 20 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે અને જો 20 હજાર રૂપિયાના દંડની સજા અને દંડ રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેસની સજા ફરમાવી છે. આ ઉપરાંત આરોપી દ્વારા સગીરા સાથે કરવામાં આવેલા ગુનાહીત કૃત્યના કારણે સગીરાને એક બાળક જન્મેલ હોવાથી સગીરા અને બાળક માટે 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવા માટે પણ કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
વર્ષ-2021માં વડોદરા શહેરનાં સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પ્રમાણે આરોપી અઝીમુદ્દીન બદરૂદ્દીન સૈયદ (રહે.મદાર મહોલ્લો, સરસિયા તળાવ પાસે, વડોદરા) સગીર વયની દીકરીને આજવા-નિમેટા ફરવા લઇ જવાનું કહીને આજવા ખાતે આવેલી હોટલમાં સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ 6થી 7 વખત મહિસાગર નદીના કાંઠે સિંધરોટ ખાતેની ઝાડીઓમાં દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે તા.31 જાન્યુઆરી 2021ના રોજ ગુનો નોંધાયો હતો.
આ કેસની તપાસ તત્કાલીન પીઆઈ વી.આર.વાણીયાએ હાથ ધરી હતી. પીડિત સગીરાના જન્મ તારીખ સંબધીત દસ્તાવેજી પુરાવા મેળવીને સાહેદોના નિવેદનો તેમજ સગીરાના સી.આર.પી.સી. કલમ 164 મુજબ નિવેદન લેવડાવ્યું હતું. આરોપી અઝીમુદ્દીન બદરૂદ્દીન સૈયદ (રહે. મદાર મહોલ્લો, વડોદરા)ની ધરપકડ કરી હતી અને આરોપી તથા સગીરાની મેડિકલ તપાસ કરવામાં આવી હતી અને આરોપી સામે તમામ દસ્તાવેજી તથા મેડિકલ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં ચાર્જશીટ કરી હતી. આ કેસ સ્પેશિયલ (પોક્સો) કોર્ટેમાં ચાલ્યો હતો. જેમાં સરકાર તરફે એડિશનલ પી.પી. પી.સી. પટેલ હાજર રહ્યા હતા. આ કેસમાં કોર્ટે રજુ થયેલા વૈજ્ઞાનિક પુરાવાઓ તથા મહત્વના સાહેદોના નિવેદનો તેમજ મેડિકલ પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઇ સ્પેશિયલ જજ (પોક્સો) અને ત્રીજા એડી.સેસન્સ જજ એમ.ડી.પાન્ડેયની કોર્ટમાં કેસ ચાલી જતા આરોપીને દોષિત ઠરાવીને આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને 20 હજાર રૂપિયાના દંડની સજા અને દંડ રકમ ન ભરે તો વધુ બે માસની સાદી કેસની સજા ફરમાવી છે.
આરોપી દ્વારા સગીરા સાથે કરવામાં આવેલ ગુનાહીત કૃત્યના કારણે ભોગ બનનાર સગીરાને એક બાળક જન્મેલ હોવાથી ન્યાયના હિતમાં ભોગ બનનાર સગીરા અને જન્મેલ બાળક માટે 10 લાખ રૂપિયાનું વળતર ચુકવવા કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.