- દંપતીએ 19 લાખમાં પુત્રનું વર્ક પરમીટ કરી આપવા કહ્યું હતું
વડોદરા શહેરમાં રહેતા દંપતીએ મહિલાના UKમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા પુત્રના વર્ક પરમીટ કરી આપવાની લાલચ આપીને 7.15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ મામલે દંપતિ સામે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
વડોદરામાં રહેતી 48 વર્ષીય મહિલાએ જે. પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારો પુત્ર જાન્યુઆરી-2023ના રોજ અભ્યાસ માટે UK ખાતે ગયો હતો અને હાલમાં UK ખાતે રહે છે અને મારા પુત્ર દિશાંતનું વર્ક પરમીટ કરાવવાનું હોવાથી અમારી સામે રહેતા યોગીતાબેન ગુંજાલના મારફતે પરિક્ષીતભાઈ પટેલનો સપર્ક થયો હતો અને આ પરિક્ષીત પટેલ સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ અંગેનું કામકાજ કરે છે, જેથી પરિક્ષીત પટેલે જતીનભાઈ અરવિંદભાઈ કાવા અને લતા જતીનભાઈ કાવા (બંને રહે. દર્શનમ આગમન, આંબેડકર પેટ્રોલ પંપ પાસે, વાઘોડીયા-ડભોઈ રીંગ રોડ, વડોદરા) સાથે જુલાઈ-2023માં મુલાકાત કરાવી હતી.
તેઓએ મારા પુત્ર દિશાંતનું વર્ક પરમીટનું કામ રૂપિયા 19 લાખમાં કરી આપવાનું જણાવ્યું હતું અને રૂપિયા 3 લાખ એડવાન્સ આપવાના તથા રૂપીયા 6 લાખ કાસ લેટર આવ્યા પછી આપવાના અને બાકીનાં 10 લાખ કામ પૂરું થયા પછી આપવાના તેવી વાતચીત કરી હતી, જેથી અમે તા. 5/8/2023ના રોજ રૂપિયા 3 લાખ પરિક્ષીત પટેલનાં HDFC બેંકમાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ જતીન અરવિંદભાઈ કાવા પાસે અવારનવાર કાસ લેટર માંગતા ટૂંક સમયમાં મળી જશે, તેવા વાયદા આપતા હતા. ત્યાર બાદ તા. 26/8/2023ના રોજ જતીનભાઈએ પરિક્ષીતભાઈ પટેલનાં મારફતે મારા પતિના વોટસએપ પર કાસ લેટર મોકલ્યો હતો, જેથી તા. 1/9/2023નાં રોજ અને રૂપિયા 6 લાખ પરિક્ષીત પટેલનાં HDFC બેન્કના ખાતામાં જમા કરાવ્યા હતા, પરંતુ ત્યાર પછી મારા પુત્રને કાસ લેટર આધારે બાયોમેટ્રિક માટે કોઈએ કંપનીએ બોલાવ્યો નહોતો, જેથી અમે જતીનભાઈ પાસે અમારા 9 લાખ રૂપિયા પરત માંગ્યા હતા, જેથી જતીનભાઈએ મને બંધન બેન્કના બે ચેક આપ્યા હતા, જે બંને ચેકો અમોએ ખાતામાં નાખતા બાઉન્સ થયા હતા, જેથી આ બાબતે જતીનભાઈને કહેતા પૈસા આપી દઈશ એવા ખોટા ખોટા વાયદાઓ આપતા હતા.
ત્યાર પછી અમારા ફોન પણ ઉપાડવાના બંધ કરી દીધા હતા. જેથી મેં પરિક્ષીતભાઈ પટેલ પાસે અમારા પૈસા માંગતા તેઓએ તમામ પૈસા જતીનભાઈનાં પત્ની લતાબેનના ખાતામાં જમા કરાવેલ છે, જે અંગેની પણ કબુલાત જતીનભાઈએ કરી લેખિતમાં નોટરી કરી હતી અને ત્યાર બાદ જતીનભાઈએ રૂપિયા 2 લાખ રોકડા તથા રૂપિયા 50 હજાર ગુગલ પે મારફતે મારા પતિને આપ્યા હતા અને બાકીની રકમ વ્યાજ સાથે 7.15 લાખ રૂપિયા ચૂકવી આપવાની બાંહેધરી આપી હતી, તે વખતે ઈન્ડિયન બેન્કના બે ચેક આપ્યા હતા. તે બંને ચેકો બેન્કમાં નાખતા બાઉન્સ થયા હતા. આમ અવારનવાર જતીનભાઈ અને તેમના પત્ની લતાબેન પાસે પૈસા માગતા ખોટા ખોટા વાયદાઓ આપે છે અને જતીનભાઈ અને તેમના પત્ની લતાબેને અમારી સાથે છેતરપિંડી કરી છે, મેં જેથી આ મામલે મેં બન્ને સામે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.