- હરાજીમાં ભાગ લેવા 50 હજાર ડિપોઝિટ ભરીને તા.21ના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં અરજી કરવા જણાવાયું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દિવાળીના તહેવારોમાં ફટાકડાના વેચાણ માટે કોર્પોરેશન હસ્તકના ટીપી સ્કીમના ફાઇનલ પ્લોટ ફટાકડાના સ્ટોલ ઉભા કરવા માટે જાહેર હરાજીથી ફાળવવામાં આવશે. આ માટે કોર્પોરેશને ફટાકડાના સ્ટોલ મેળવવા માટે તારીખ 21 સુધીમાં ધંધાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. ફાઇનલ પ્લોટમાં સ્ટોલ નક્કી કરેલા માપની જગ્યામાં ચોક્કસ મુદત માટે હંગામી ધોરણે લાયસન્સ ફી લઈને અપાશે.
જાહેર હરાજીમાં ભાગ લેવા ડિપોઝિટની રકમ 50,000 ભરીને તારીખ 21 ના રોજ બપોરે ત્રણ વાગ્યા સુધીમાં વિગતો પહોંચતી કરવા ફટાકડાના વેપારીઓને જણાવવામાં આવ્યું છે. જાહેર હરાજીની તારીખ તમામ અરજીઓ આવ્યા બાદ નક્કી કરવામાં આવશે. હરાજીમાં જે કોઈને સ્ટોલ માટે જગ્યા મળે તે વેપારીએ જાતે ફાયર બ્રિગેડ અને પોલીસની એનઓસી મેળવવાની રહે છે. ગયા વર્ષે 12 અરજદારોએ જાહેર હરાજીમાં ભાગ લીધો હતો અને કોર્પોરેશનને 8.87 લાખની આવક થઈ હતી.