નંદેશરી ઔદ્યોગિક વસાહતને 25 MLD ટ્રીટેડ વોટર આપવા પાછળ કોર્પોરેશન 70 કરોડનો ખર્ચ કરશે!!

આ અંગે કરાર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી

MailVadodara.com - Corporation-to-spend-70-crores-to-provide-25-MLD-treated-water-to-Nandeshari-Industrial-Estate

- તા.14-7-2023નાં રોજ વડોદરા શહેર તેમજ શહેરની હદ બહારનાં વિવિધ GIDC તેમજ ઔધૌગિક એકમોનાં પ્રતિનિધીઓ સાથે બેઠક મળી હતી

વડોદરા કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારની રિ-યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલીસી અંતર્ગત શહેર નજીક આવેલી નંદેસરી ઔદ્યોગિક વસાહતને 25 MLD ટ્રીટેડ વોટરનો જથ્થો આપવામાં આવશે. આ અંગે કરાર કરવા સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. નોંધનીય છે કે, અગાઉ કોર્પોરેશન દ્વારા અનેક કંપનીઓને ટ્રીટેડ પાણી આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 70 કરોડનો ખર્ચ થવાનો અંદાજ સેવાઇ રહ્યો છે.

સ્થાયી સમિતીમાં રજૂ થયેલી દરખાસ્તમાં જણાવ્યું છે કે, સરકારની રી-યુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર પોલિસી હેઠળ શહેરની હદથી અથવા સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી 50 કિ.મી.ની ત્રિજ્યામાં આવેલ થર્મલ પાવર પ્લાન્ટ, ઔધોગિક એકમો કે જેઓ ઓછામાં ઓછો એક લાખ લિટર/પ્રતિ દિન કે તેથી વધુ પાણીનો જથ્થો પીવાના પાણી સિવાયનાં હેતુ માટે ઉપયોગ કરતાં હોય તેવા  એકમો માટે ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરવું ફરજિયાત કરવામાં આવ્યું છે.

સરકારની રીયૂઝ વેસ્ટ વોટર પોલિસી મુજબ ટ્રીટેડ વોટર સપ્લાય કરવાની કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં રાજ્ય સરકાર દ્વારા આ પોલિસીમાં થનાર ફેરફારોની જાણ સામાન્ય સભામાં કરવા સહ અમલીકરણની કાર્યવાહી કરવા અંગેની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવા અંગેની દરખાસ્તને સ્થાયી સમિતી તથા સામાન્ય સભાની મંજુરી મળેલી છે. રાજ્ય સરકારની સ્ટેટ હાઈ પાવર કમિટિની આઠમી મીટીંગની મીનિટસ ઓફ મીટીંગ કેટલાંક સુધારા સૂચવેલ છે, જે પૈકી મુખ્ય બાબતો જેવી કે, સેકન્ડરી ટ્રીટ્રેડ વેસ્ટ વોટરનો રેટ ઔધોગિક વપરાશ માટે સપ્લાયનાં પહેલા વર્ષમાં પરસ્પરની સમજુતી મુજબના ભાવ રાખવો, બીજા વર્ષથી સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટરનો રેટ પ્રવર્તમાન ફ્રેશ વોટરના 20% મુજબ રાખવા તેમજ  પ્રોજેક્ટ મુજબ મહાનગરપાલિકા ઉકત નિર્ધારિત રેટ કરતાં વધારે રેટ ચાર્જ કરી શકશે. આ રેટમાં દર ત્રણ વર્ષે 10% નો વધારો કરવાનો રહેશે. 

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરનાં વિવિધ સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટરનો પોલિસી મુજબ બહોળો વપરાશ થાય તે અર્થે તા.14/07/2023નાં રોજ વડોદરા શહેર તેમજ શહેરની હદ બહારનાં વિવિધ GIDC તેમજ ઔધૌગિક એકમોનાં પ્રતિનિધીઓ સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલિસી મુજબ ઓધૌગિક વપરાશ માટે પાણીનો રી-યુઝનો વપરાશ વધે અને ફ્રેશ વોટરનો વપરાશ ઓછો થાય તે અંગે જરૂરી કામગીરી કરવા માહિતગાર કરવામાં આવ્યા હતા. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસોસીયેશન સાથે તા04/12/2023 ના રોજ મીટીંગ કરવામાં આવી હતી, જેમાં તેઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા હસ્તકનાં સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનાં સેકન્ડરી ટ્રીટેડ વેસ્ટ વોટરને સપ્લાય કરવાની માંગણી કરી હતી. નંદેસરી ઇર્ન્ડસ્ટ્રીયલ એસો.ને 25 MLD ટ્રીટેડ વોટરની સપ્લાય કરવાની માંગણી કરી હતી. નંદેસરી ઇન્ડ્રસ્ટ્રીયલ એસોસીયેશન અને કોર્પોરેશન વચ્ચે 25 એમએલડી ટ્રીટેડ વેસ્ટ વોટર સપ્લાય કરવા અર્થે કરાર કરવાની જરૂરિયાત છે. આ પ્રોજેકટમાં અંદાજીત રૂ.70 કરોડ જેટલો ખર્ચ થવાની સંભાવના છે, જેની આગામી બજેટમાં જોગવાઇ કરવાની રહેશે.

Share :

Leave a Comments