- મિલકત વેરો વધુ ભરવો પડશે અને પર્યાવરણ ચાર્જ પણ ચૂકવવો પડશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24 ના 4830.75 કરોડના બજેટમાં બહુમતીના જોરે 79.47 કરોડનો કરબોજ મંજૂર કરવામાં આવ્યો હતો. તારીખ 1 એપ્રિલથી શરૂ થતાં 2023-24ના નાણાકીય વર્ષમાં વડોદરાના લોકો માથે કોર્પોરેશનનો 79.47 કરોડનો કરબોજ આવી પડશે. મ્યુનિસિપલ કમિશનરે 4761 કરોડનું બજેટ સ્થાયી સમિતિ રજૂ કર્યું હતું, જેમાં ચર્ચા-વિચારણાના અંતે સ્થાયી સમિતિએ 68.82 કરોડનો વધારો કર્યો હતો અને બજેટનું કદ વધારીને 4830.75 કરોડનું કર્યું હતું. બજેટમાં ત્રણ વર્ષનો કૂતરા વેરો જે સ્થાયી સમિતિએ 1000 મંજૂર કર્યો હતો, તે શૂન્ય કરી દેવાયો હતો. આ સિવાયની તમામ લાગતો મંજૂર કરાઇ હતી.
વડોદરા કોર્પોરેશનના આ બજેટમાં રહેણાંક અને કોમર્શિયલ મિલકતમાં કરદરમાં વધારો તેમજ ચાર્જ મંજૂર કરવામાં આવ્યો હતો. જેમાં 75 કરોડના મિલકત વેરાનો વધારો તેમજ 4.49 કરોડનો પર્યાવરણ ચાર્જ લાદવામાં આવ્યો છે. આ ચાર્જ પ્રથમ વખત સૂચવ્યો છે. રહેણાંક મિલકતમાં ચોરસ મીટરે 4 રૂપિયા અને કોમર્શિયલ મિલકતમાં 5 રૂપિયાનો વધારો કર્યો છે. રહેણાંક મિલકતમાં હવેથી પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 20 અને કોમર્શિયલ મિલકતમાં પ્રતિ ચોરસ મીટરે રૂપિયા 35 લેવાશે. મિલકત વેરામાં વધારો થતા તેના લીધે સુવરેજ અને કંઝરવંશી ટેક્સ પણ વધશે, એટલે કે સામાન્ય કર વધી જશે. રહેણાંક મકાન ધારકોને વર્ષે આશરે 500થી 700 રૂપિયા ટેક્સ વધી જશે. પર્યાવરણ ચાર્જ પણ મકાનના ક્ષેત્રફળ મુજબ લેવાશે. રહેણાંકમાં 51 થી 100 ચોરસ મીટરનું મકાન હોય તો 30 રૂપિયા પર્યાવરણ ચાર્જ લેવાશે. આટલું જ મકાન કોમર્શિયલ હોય તો 50 વસૂલ કરાશે. રહેણાંકમાં 101થી 200 ચોરસ મીટર ક્ષેત્રફળ સુધીનું મકાન હોય તો 175 અને કોમર્શિયલ હોય તો 350 લેવાશે. 201 થી 400 ચોરસ મીટર ક્ષેત્રફળનું રહેણાંક મકાન હોય તો 300 લેવાશે અને કોમર્શિયલ હશે તો 600 રૂપિયા ચાર્જ ભરવો પડશે.