- OMR શીટની કોપી 18મી સુધી ડાઉનલોડ કરી શકાશે
- ઉમેદવાર પ્રોવિઝનલ આન્સર કી બાબતે 10 જાન્યુઆરી સુધીમાં મેલ કરી વાંધા સુચન રજૂ કરી શકશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં સરકારની 100 ટકા ગ્રાન્ટ આધારિત વિવિધ સંવર્ગની 162 જગ્યા ભરવા માટેની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તારીખ 17 ના રોજ લેવાઈ હતી. આ લેખિત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેન કરેલી ઈમેજ કોપી વડોદરા કોર્પોરેશનની વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે તારીખ 18 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકાશે, તેમજ આ 6 જગ્યાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે.
પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવાર પ્રોવિઝનલ આન્સર કી બાબતે તારીખ 10 જાન્યુઆરી સુધીમાં કવેરી પર મેલ કરી પોતાના વાંધા સુચન રજૂ કરી શકશે. કુલ 36,523 ઉમેદવારોમાંથી 123 પરીક્ષા કેન્દ્રો ખાતે અંદાજે 50% એટલે કે 18,300 એ પરીક્ષા આપી હતી. પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી લેવાઈ હતી. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષાની ઓએમઆર શીટના નંબરોમાં ગોટાળો થતા 158 વિદ્યાર્થી પરીક્ષા આપી શક્યા ન હતા અને તેઓએ ગોટાળા થયા હોવાના આક્ષેપો કરીને હોબાળો મચાવી સ્પર્ધાત્મક પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો. જોકે ઓએમઆર શીટ બદલાઈ જવાના મામલે અને જે કંઈ ગોટાળા હોવાના આક્ષેપો થયા હતા તેમાં કેન્દ્ર સંચાલક અને સુપરવાઈઝરની કોઈ ભૂલ નહોતી જણાઈ અને ડીઇઓની ક્લીન ચીટ અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ 162 જગ્યા માટે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. મલ્ટીપરપઝ હેલ્થ વર્કર વર્ગની 36 જગ્યા માટે 12006 અરજીઓ મળી હતી. સ્ટાફ નર્સ વર્ગ-3ની 35 જગ્યા ઉપર 10021 અરજીઓ મળી હતી. જ્યારે લેબ ટેક્નિશિયન ની વર્ગ-3 ની 24 જગ્યા માટે 5000, ફીમેલ હેલ્થ વર્કરની વર્ગ-3 ની 35 જગ્યા ઉપર 5943 તથા ફાર્માસિસ્ટ વર્ગ-3 ની 20 જગ્યા ઉપર 2603 અરજીઓ આવી હતી.