- કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન કરાયું
વડોદરા શહેરના લાલબાગ પોલીસ તાલીમ શાળા પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે બિન હથિયારી અને હથિયારી લોકરક્ષક દળના દીક્ષાંત સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાલીમ લઈ રહેલા લોકરક્ષક દળના જવાનો દ્વારા પરેડ યોજવામાં આવી હતી. આ પરેડમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો.
વડોદરા પોલીસ દ્વારા યોજાયેલા દીક્ષાંત પરેડ સમારોહમાં હથિયારી અને બિનહથિયારી લોકરક્ષક દળ દ્વારા દીક્ષાંત પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને એન.બી પટેલ નાયબ પોલીસ અધિક્ષકની ઉપસ્થિતિમાં સમગ્ર દિક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં તાલીમ લઇ રહેલા 374 જેટલા પુરુષ અને મહિલા તાલીમાર્થીઓ આજે તાલીમ બાદ હવે પોતાના ફિલ્ડ વર્કમાં જોડાશે.
આ કાર્યક્રમમાં તાલીમ લઇ રહેલા બિન હથિયારધારી અને હથિયારધારી લોકરક્ષક દળના તાલીમાર્થીઓ છેલ્લા આઠ મહિનાની આકરી કસોટી બાદ હવે પોતાની કારકિર્દીની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. આ કાર્યક્રમમાં તાલીમ દરમિયાન ઇન્ડોર તેમજ આઉટડોરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્રથમ ત્રણ તાલીમાર્થીઓને ઇનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ અંગે પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહે જણાવ્યું હતું કે, આજે 167 હથિયારી લોકરક્ષકો, 207 બિન હથિયારી લોકરક્ષકો મળી કુલ 374 લોકરક્ષકો જેમાં 125 મહિલા લોકરક્ષકો અને 249 પુરુષ લોકરક્ષકો સામેલ છે. આ તમામ લોકરક્ષકો સમાજ સમક્ષ રક્ષક પ્રહરી બનવા જઈ રહ્યા છે. વર્ષ 1955માં વડોદરા પોલીસ તાલીમ શાળાની શરૂઆત થઈ હતી. ત્યારથી આજ સુધી જુદા-જુદા સંવર્ગીઓને આજે તાલીમ આપી રહી છે.