વડોદરા પાલિકાની વેબસાઇટ પર વિવિધ વિભાગોના પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ ન કરાતા વિવાદ..!!

પાલિકાના સત્તાધીશો પ્રજાલક્ષી વહીવટના નિયમોને પણ ઘોળીને પી ગયા

MailVadodara.com - Controversy-over-not-updating-proactive-disclosure-of-various-departments-on-Vadodara-Municipality-website

- કેટલાક વિભાગોની માહિતી અપડેટ ન થતા સતાધિશોની લાલિયાવાડી છતી થઇ

સરકારી ખાતા માં થઇ રહેલ કામકાજ અંગે નાગરિકોને ઘર બેઠા માહિતી મળે તે હેતુ થી તમામ ખાતાના વડા દ્વારા પોતાના ખાતાની માહિતીઓ પોતાના ખાતાની વેબસાઈટ ઉપર દર વર્ષે જાહેર કરવાની હોય છે. જો કે, વડોદરા મહાનગર પાલિકાએ ચાલુ વર્ષે પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ ન કરતા વિવાદ સર્જાયો છે. તેમાંય કેટલાક વિભાગોની માહિતી છેલ્લા ત્રણ વર્ષથી અપડેટ ન થતા સતાધિશોની લાલિયાવાડી છતી થવા પામી છે.

વડોદરા મહાનગર પાલિકાનો વહીવટ ખાડે ગયો છે, ત્યારે પાલિકાના સત્તાધીશો પ્રો એક્ટિવ ડીસ્ક્લોઝર એટલે કે પારદર્શી અને પ્રજાલક્ષી વહીવટના નિયમોને પણ ઘોળીને પી ગયા હોવાનો વધુ એક નમૂનો બહાર આવ્યો છે. ચાલુ વર્ષે પણ પાલિકાએ પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ ન કરતા વિવાદ સર્જાયો છે. 

વડોદરા મહાનગર પાલિકાએ પણ મુજબ અન્ય સરકારી અને અર્ધ સરકારી સંસ્થાઓની જેમ પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ રાખવાનું હતું. જેમાં નાગરિકોને મદદરૂપ થાય એ રીતે પાલિકાના કર્મચારીઓ તથા તેમની કામગીરી વગેરે અંગે નાગરિકો વાંચી-જોઇ શકે. જો કે, કેટલાક ખાતાઓના પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર વર્ષ 2020થી અપડેટ થયા નથી. તાજેતરમાં કોર્પોરેશનના અનેક અધિકારી કર્મચારીઓની પણ મોટા પ્રમાણમાં આંતરિક બદલીઓ થઈ છે. તેમ છતાં જૂની ફરજો અને હોદ્દા યથાવત રહેતા લોકો ગેરમાર્ગે દોરાય રહ્યા છે. પાલિકામાં મહેકમ બાબતે પણ હાલ સાચો આંક જાણી શકાતો નથી. અપડેટ ન થતા પ્રોજેક્ટ સંદર્ભે પણ માહિતી ખોટી મળી રહી છે. નીતિ નિયમોમાં બદલાવ આવ્યા છે કે કેમ? તે  માહિતી અંગે પણ આ મહત્વનું પ્લેટફોર્મ છે. હાલ વિવાદિત ફાયર ઓફિસર નિકુંજ આઝાદ સ્ટેશન ઓફિસર અને વર્ષ 2022માં બદલી થયેલ ડે.કમિશનર સુધીર કે. પટેલ હજુ પણ હોદ્દા ઉપર કાર્યરત હોવાનું દર્શાવ્યું છે. આવા અનેક છબરડા પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝર અપડેટ ન થતાં જોવા મળી રહ્યા છે. 

અત્રે નોંધનીય છે કે, પ્રો એક્ટિવ ડિસ્ક્લોઝરમાં નાગરિકોને અત્યંત ઉપયોગી થઇ પડે તે રીતની માહિતીનો સમાવેશ થાય છે. પારદર્શી અને પ્રજાલક્ષી વહીવટ માટે સરકારે નિયમોની જોગવાઇ કરી છે. જેમાં 17 મુદ્દાના આ નિયમોમાં દરેક સત્તામંડળને પોતાનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો ઉપરાંત પોતાના અધિકારીઓ અને કર્મચારીઓની ફરજો અને જવાબદારીઓ, પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો તથા અન્ય બાબતો સમાવેશ થાય છે. તેથી સરકારી કચેરીમાં આવતા નાગરિકોને કચેરીના કામકાજ સહિત અધિકારીઓ અને કર્મચારીઓ તથા નિયમો અંગે સરળતાથી જાણકારી મળી રહે તેમ છે.

Share :

Leave a Comments