- વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકના છાણી મંદિરની મિલકત અંગે ભક્તજનો વચ્ચે બે ભાગ પડી ગયા હોવાથી વિવાદ ચાલુ છે
શહેર નજીક છાણી સ્વામિનારાયણ મંદિર પર તાળું મારી દેવાતા ભાવિકો અને મંદિરના સંચાલકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. દરમિયાન મંદિરને તાળું મારવા ના મુદ્દે હોબાળો થતા ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિને ધક્કો વાગતા નીચે પડી જતા ઇજા પહોંચી હતી. તેને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.
વડોદરા શહેર નજીક છાણી ગામમાં સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકના છાણી સ્થિત મંદિરની મિલકત અંગે છેલ્લા કેટલાક સમયથી ભક્તજનો વચ્ચે બે ભાગ પડી ગયા હોવાથી વિવાદ ચાલતો હતો. જે અંગે એક વર્ષ પૂર્વે છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ થઈ હતી અને કેટલાકની ધરપકડ થઈ હતી ત્યારબાદ આજે ફરી એકવાર મંદિરના મિલકત અંગે ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશો ભાવિક ભક્તો વચ્ચે તાળું મારવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.
ત્યારે ભાવિકો વચ્ચે ધક્કામુકી સર્જાઈ હતી. તેમાં એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. તેથી તેને સારવાર માટે 108 ની મદદથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હોવાનું છાણી પોલીસે જણાવ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ દિનેશ વણકર હોવાનું જાણવા મળે છે તેવો મંદિર સાથે સંકળાયેલા હતા અને ધક્કા મૂકીમાં અચાનક ચક્કર આવતા પડી જતા મોત નિપજયુ હોવાનું કહેવાય છે.
સમગ્ર ઘટનાના પ્રત્યદર્શી નિતીન પરમારે વાત કરતા જણાવ્યું કે, મૃતક દિનેશભાઇ પરષોત્તમભાઇ વણકર છે. મંદિરમાં દિનેશ મિસ્ત્રી, જયંત રમણ, જયંતિ ગોહીલ, રમેશ પરમાર કોઇ જાતના ટ્રસ્ટી નથી અને સબ કમિટીના સભ્યો છે. વડતાલે અમને ઠરાવ કરીને આપ્યો છે. મૃતક પણ સબ કમિટીના સભ્ય હતા. મંદિરમાં આજે તાળા બદલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે ટાણે સામેવાળાએ આમની જોડે મગજમારી કરી અને તેમના વગાડી દીધું હતું, અમારી સાથે સીસીટીવી ફૂટેજ છે.
મૃતકના પુત્ર અમિતે જણાવ્યું કે, મંદિરમાં ઝગડો થયો હતો. તેમને ધક્કો વાગ્યો એટલે પડ્યા અને ત્યાર પછી તેમનું મૃત્યુ થઇ ગયું છે.
છાણી પોલીસના જણાવ્યા મુજબ, દિનેશ મિસ્ત્રી નામના એક વ્યક્તિએ આ અંગે છાણી પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસની એક કુમક મંદિરે પહોંચી ગઈ હતી. ક્યા કારણોસર વિવાદ સર્જાયો તે અંગે છાણી પીએસઆઇને તપાસ સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છાણી મંદિર બનાવ્યું છે, ત્યારથી મંદિર માટેની જમીનનો દસ્તાવેજને લઈને વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. આ અંગે માલિકોએ એસડીએમને ફરિયાદ કરી છે. તે બાદ રિઓર્ડર પણ થયા છે. તેમાં ચુકાદો આવ્યો હોવાનું જણાવી તાળું મારી દેવાયું હોવાનું છાણી પીઆઇ પટેલે કહ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર મંદિરને તાળું લાગતા ભક્તો વચ્ચે ધક્કા મૂકી થઈ હતી. તે વખતે એક વ્યક્તિ દિનેશ વનકરને ચક્કર આવતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે સીસીટીવી કેમેરા ચેક કર્યા પછી સઘન તપાસ શરૂ કરવામાં આવશે એમ પણ પીઆઈએ જણાવ્યું હતું.