- પૂર્વ અને દક્ષિણ ઝોનમાં રૂ.૮-૮ કરોડ અને પશ્ચિમ ઝોનમાં રૂ.૫ કરોડના સિવિલ કામોની અધિકારીઓની ક્લપના..!
- ગત વર્ષે બે કરોડના કામ આ વર્ષે રૂ.૮ કરોડના કરવાની દરખાસ્ત
વડોદરા મહાનગર પાલિકાના અંધેર વહીવટના બોલતા પુરાવો છાશવારે પ્રકાશમાં આવે છે. તાજેતરમાં પૂર્વ,દક્ષિણઅને પશ્ચિમ ઝોનમાં કુલ રૂપિયા ૨૧ કરોડના સિવિલ કામની દરખાસ્તમા ભ્રષ્ટાચારની થવાની સંભાવના સેવાઈ રહી છે.
પાલિકાના અંધેર વહીવટના પાપે વિકાસ થતો નથી અને પ્રજાના નાણાં વેડફાતા રહે છે. તાજેતરમાં બિલ્ડીંગ શાખા તરફથી આવેલી દરખાસ્ત વિવાદનું કેન્દ્ર બની રહી છે. આગામી એક વર્ષ માટે ત્રણ ઝોનમા સિવિલ કામો મંજુર કરવાની દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં પૂર્વ ઝોનમાં રૂ.૮ કરોડ ના કામો જય એન્ટરપ્રાઈઝ ને ૧૪.૪૫ ટકા ઓછાના ભાવે, દક્ષિણ ઝોનમાં રૂ.૮ કરોડ ના કામો રેમીન્સ ગ્રુપને ૧૧.૫૦ ટકા ઓછા ભાવે અને પશ્ચિમ ઝોનમાં રૂ.૫ કરોડના કામો રાજેશ રોહિતકુમાર ને ૯.૫૦ ટકા ઓછાના ભાવે આપવાની મંજૂરી આપવાની દરખાસ્ત છે. કુલ રૂ.૨૧ કરોડના સિવિલના કામો મંજુર કરવાની દરખાસ્તમા ક્યાં કામો છે તેનો ઉલ્લેખ ક્યાંય નથી. GST સાથેના ભાવોમાં કોન્ટ્રાક્ટરને GST અલગથી આપવાનું કહેવામાં આવ્યું છે. જો ટેન્ડર GST સાથે હોય તો GST અલગ કરી કોન્ટ્રાકટરને ફાયદો કરાવવાની જરૂર કેમ પડી ? હવે આખી વાતને સરળ ભાષામાં સમજીએ તમે કોઈ મકાન બનાવવા ઈચ્છતા હોવ તો સ્વાભાવિક છે કે તમે પહેલા મકાન કેવું બનાવવાનું છે એનું બજેટ બનાવશો અને એ પ્રમાણે ખર્ચ કરશો. અહીં પાલિકા પાસે કોઈ માહિતી નથી કે કેટલું સિવિલ કામ કરવાનું છે. સંભવિત કામોની કલ્પના કરી કરોડો રૂપિયા ફાળવી દેવામાં આવશે. તમને જાણી ને નવાઈ લાગશે કે ગત વર્ષે દરેક ઝોનમાં આવી જ રીતે બે થી ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા હતા એમાં ત્રણ થી ચાર ગણો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષે બે કરોડ ની સામે આ વર્ષે સીધા રૂ.૮ કરોડ ફાળવવામાં આવ્યા છે. આ અંગે અધિકારીઓનો તર્ક છે કે નાણાં ફાળવ્યા બાદ કામો નક્કી થશે. જયારે ક્યાં કેટલું કામ કરવું એ જ નક્કી નથી ત્યારે ક્લપના કરી રૂ.૨૧ કરોડ મંજુર કરવા કેટલું યોગ્ય છે. કોંગ્રેસના સિનિયર નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ આવી દરખાસ્ત ભ્રષ્ટાચાર કરવા માટે લાવવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.
જયારે પારદર્શકતાના દાવા થતા હોય ત્યારે આવી દરખાસ્તમા ભ્રષ્ટાચારની ગંધ આવે એ સ્વાભાવિક છે.