પાદરા-જંબુસર રોડ પર કન્ટેનર ચાલકે બાઈક સવાર દંપતિને અડફેટે લીધું, 11 માસનું બાળક પૈડાં નીચે આવી જતાં મોત

11 માસના પુત્રના મોતથી માતાના હૈયાફાટ રૂદને મદદે આવેલા લોકોના રૂવાડાં ઊભા કરી દીધા

MailVadodara.com - Container-driver-hits-biker-couple-on-Padra-Jambusar-road-11-month-old-child-dies-after-falling-under-wheels

- ટક્કર વાગતા દપતિ અલગ-અલગ દિશામાં રોડ પર પટકાયા, હાથ-પગ, માથામાં ગંભીર ઇજા પહોંચી

- અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર લઈને ફરાર થઇ ગયો

વડોદરાના પાદરા-જંબુસર રોડ ઉપરથી બાઇક પર પસાર થઇ રહેલા દપતિ પરિવારને કન્ટેનરના ચાલકે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કન્ટેનરે બાઇકને ટક્કર મારતા દંપતિ ફંગોળાઇ ગયું હતું અને માતાના ખોળામાં બેઠેલું 11 માસનું બાળક ઉછળીને કન્ટેનરના તોતીંગ પૈડાં નીચે આવી જતાં મોતને ભેટ્યું હતું. માતા-પિતાની નજર સામે જ પુત્રના નીપજેલાં મોતથી સન્નાટો છવાઇ ગયો હતો. આ અકસ્માતની ઘટના બાદ કન્ટેનર ચાલક કન્ટેનર લઇને ફરાર થઇ ગયો હતો. વડુ પોલીસે પ્રવિણભાઇ પરમારની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા કન્ટેનર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર પાદરા તાલુકાના માસર રોડ (કણઝટ) ગામમાં રહેતા 29 વર્ષીય પ્રવીણભાઈ મનુભાઈ પરમાર તેમની પત્ની સુનિતાબેન અને 11 માસના માસુમ બાળકને લઇને મોટરસાઇકલ પર પાદરા કામ માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન પાદરા-જંબુસર રોડ ઉપર આવેલા માસર રોડ ગામની સીમમાં સ્ટર્લિંગ કંપની પાસે પસાર થઇ રહેલા કન્ટેનર ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટમાં લીધું હતું. 

આ ઘટનામાં કન્ટેનરની ટક્કર વાગતા મોટર સાઇકલ સવાર પત્ની સુનિતાબહેનના ખોળામાંથી તેમનો 11 માસનો પુત્ર શોર્ય કુમાર ઉછળીને સીધો કન્ટેનરના તોતીંગ પૈડાં નીચે આવી ગયો હતો. જ્યારે પ્રવિણભાઇ અને તેમની પત્ની સુનિતાબહેન અલગ-અલગ દિશામાં રોડ ઉપર પટકાયા હતા. તેઓને પણ હાથ-પગ તેમજ માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ કન્ટેનર ચાલક કન્ટેનર લઈને ફરાર થઇ ગયો હતો.

આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા અને રોડ ઉપર ફંગોળાયેલા દંપતિને રોડની બાજુમાં લઇ ગયા હતા. પરંતુ, દંપતિએ લોહીથી લથપથ એકના એક પુત્ર શોર્યકુમારનો મૃતદેહ જોતા સ્તબ્ધ થઇ ગયું હતું. ઘટના સ્થળે માતાના હૈયાફાટ રૂદને મદદે આવેલા લોકોના રૂવાડાં ઊભા કરી દીધા હતા. કમકમાટીભરી આ ઘટનાએ વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી. 

બીજી બાજુ આ બનાવની જાણ વડુ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી અને મૃતદેહ કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. તે સાથે વડુ પોલીસે બાળકના પિતા પ્રવિણભાઇ પરમારની ફરિયાદના આધારે ફરાર થઈ ગયેલા કન્ટેનર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments