- રંગમહાલ ચબુતરા પાસે 45.8 લાખના ખર્ચે મશીનહોલ બનાવાશે, જેને પગલે ડ્રેનેજની સમસ્યા અને તેની સફાઇ કામગીરીમાં સરળતા રહેશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ શહેરના વાડી વિસ્તારમાં રંગમહાલ ચબુતરા પાસે રૂપિયા 45,08,230ના ખર્ચે નવીન ડ્રેનેજ લાઇન પર સીકીંગ પધ્ધતિથી મશીનહોલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરમાં વર્ષો જૂની લાઇનો અને શહેરનો વસ્તીની દ્રષ્ટિએ વ્યાપ વધતાં અવારનવાર ડ્રેનેજ લાઇન ચોકઅપની સમસ્યાઓ ઉદભવતી હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હવે આ સમસ્યાનું નિરાકરણ લાવવાની દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજરોજ શહેરના વાડી વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિરથી ગાજરાવાડી પાણીની ટાંકી તરફ જતાં રોડપર રંગમહાલ ચબુતરા પાસે રૂપિયા 45,08,230ના ખર્ચે ડ્રેનેજલાઇન પર સીકીંગ પધ્ધતિથી મશીન હોલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત મેયર પિન્કીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું છે.
આ કામગીરી ત્રણ માસમાં પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીથી મોગલવાડા, વાડી, બાવમાનપુરા, ટાઇવાડા સહિતના આસપાસના વિસ્તારોને ફાયદો થશે અને ડ્રેનેજ ની સમસ્યાથી છૂટકારો મળશે. આ કામગીરીને કારણે આર.સી.સી. શાફ્ટ અને બે નંગ મશીનહોલ બનવાથી લાઇનોની સફાઇ કામગીરીમાં સરળતા રહેશે અને અપસ્ટ્રીમના વિસ્તારોમાં ડ્રેનેજની સમસ્યા નિવારી શકાશે.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાલકૃષ્ણ શુકલ (બાળુભાઇ), મેયર પિન્કીબેન સોની, સ્થાયી સમિતિના ચેરમેન ડો.શીતલ મિસ્ત્રી, ઇલેક્શન વોર્ડ નં. 13 અને 14 ના કાઉન્સિલરો જેલમબેન ચોક્સી, નંદાબેન જોશી, સચિન પાટડીયા, હરીશ જીનગર, આશીષ જોશી સહિત વોર્ડના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.