- નવા લગાવવામાં આવનાર ગેસ મીટર પર ઓટો સેન્સરથી સજ્જ જીપીએસ ડિવાઇસ લગાવેલું હશે, ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ પૈસા ભરી ગેસનો વપરાશ કરી શકશે
વીજ કંપની દ્વારા પ્રી-પેઇડ વીજ મીટરો લગાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેન સફળતા પણ મળી રહી છે. ત્યારે હવે વડોદરા ગેસ લિમિટેડ દ્વારા પણ પ્રી-પેઇડ ગેસ મીટરો લગાવવાની વિચારણા ચાલી રહી છે. આગામી લોકસભાની ચૂંટણી બાદ પ્રી-પેઇડ ગેસ મીટરના ઇન્સ્ટોલેશન શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા ગેસ કંપનીમાંથી મળેલી માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં અંદાજે 2.50 લાખ જેટલા ગેસ ધારકો છે. જેને વડોદરા કોર્પોરેશન અને ગેઇલ દ્વારા સંયુક્ત કંપની વડોદરા ગેસ લિમિટેડ બનાવી તેઓ દ્વારા ગેસ પૂરો પાડવામાં આવી રહ્યો છે. હાલ વડોદરા ગેસ લિમિટેડ પોતાનો લાઇન લોસ ઘટાડવા માટે વિવિધ વિસ્તારોમાં જૂની ગેસની લાઈન બદલવાની કામગીરી કરી રહી છે. કંપનીનું માનવું છે કે, નવી ગેસ લાઇન લગાવ્યા બાદ આગામી દિવસોમાં વિજીએલનો ગેસ લોસ ઘટે તેવું અનુમાન છે.
મળેલી માહિતી પ્રમાણે હાલ શહેરમાં પૂરું પાડવામાં આવતા ગેસ પૈકી 30થી 40 ટકા જેટલા ગેસનો લોસ આવે છે. જેથી સપ્લાય થયેલો પૂરેપૂરો ગેસ ગ્રાહકોને મળી રહ્યો નથી. જેથી શહેરભરમાં તબક્કાવાર ગેસ લાઇન બદલવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ ગેસ લાઇન બદલ્યા બાદ ગેસ લોસમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવું અનુમાન છે. જેથી ઘણા વિસ્તારમાં જે લો પ્રેશરની ફરિયાદ છે તેનું પણ નિરાકરણ આવી શકશે.
બીજી તરફ વીજીએલ ગ્રાહકોને સુવિધા આપવાના હેતુસર અને તેની સાથે પોતાની આર્થિક સધ્ધરતાને ધ્યાનમાં રાખીને પ્રી-પેઇડ ગેસ મીટરો લગાવવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આગામી લોકસભાની ચૂંટણી બાદ એટલે કે આગામી 5 મહિનામાં નવા પ્રી-પેઇડ ગેસ મીટરો ઇન્સ્ટોલ લગાવવાની શરૂઆત કરવામાં આવશે.
નવા લગાવવામાં આવનાર ગેસ મીટર પર જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવશે અને તે ઓટો સેન્સરથી સજ્જ હશે. એટલે કે ગ્રાહક પોતાની જરૂરિયાત મુજબ પૈસા ભરી ગેસનો વપરાશ કરી શકશે. જ્યારે કોઈ સમયે એવું હશે કે, ગેસ પૂર્ણ થવાનો છે અથવા તો સમય મર્યાદા પૂર્ણ થવાની છે. ત્યારે ગેસ કંપનીમાંથી ગ્રાહકને તેના મોબાઈલ ફોન પર મેસેજ આવી જશે.
જો કોઈ ઉપભોક્તા ગેસનું ચૂકવવાનું નહીં કરે તેવા સંજોગોમાં પણ ચાર્જિંગ પૂર્ણ થયા પછી પાંચ દિવસ સુધી તેની સેવા યથાવત રાખવામાં આવશે. જ્યારે પણ ગેસનું ચાર્જિંગ પૂરું થઈ જશે ત્યારે જીપીએસ ડિવાઇસની મદદથી વાલ્વ આપોઆપ ઇન્ટર્નલ લોક થઈ જશે, એટલે ગેસ મીટરથી આગળ જતો ગેસ સપ્લાય બંધ થઈ જશે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે ઘરે ગેસ આપવાની જાહેરાત તેમના મુખ્યમંત્રી કાળ દરમિયાન વડોદરામાં કરી હતી. તે હજુ પરિપૂર્ણ થઈ શકી નથી. જોકે, નવા ગેસ ધારકોને કનેક્શન આપવાની પ્રક્રિયા ચાલુ છે. આ વર્ષના અંત સુધીમાં અગાઉ પૈસા ભરી ચૂકેલા 12,000 અને નવા 15,000 મળી અંદાજે 30,000 જેટલા નવા ગેસ ધારકોનો ઉમેરો કરવાનું કામ હાથ પર લેવામાં આવ્યું છે.