વડોદરામાં કોંગ્રેસની જન આક્રોશ રેલી નીકળી: લોકોમાં રોષનું ઘોડાપૂર, કોંગ્રેસ કાર્યકર ટ્યૂબ અને બોટ લઈને રેલીમાં જોડાયા

પૂરગ્રસ્તોને સહાય મજાક સમાન, નથી થયો યોગ્ય સરવે, મૃતકો-ઘરવખરી માટે વળતર કેમ નહીં?: કોંગ્રેસ

MailVadodara.com - Congress-public-outcry-rally-in-Vadodara-Outrage-among-people-Congress-workers-joined-the-rally-with-tubes-and-boats

- રેલીમાં ‘ભાજપ હમસે ડરતી હૈ, પોલીસ કો આગે કરતી હૈ’ ના નારા લાગાવાયા

- જન આક્રોશ રેલીમાં વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો

- કોંગ્રેસ દ્વારા કાઢવામાં આવેલી જન આક્રોશ રેલીમાં પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના આગેવાનો બોટને ઉંચકીને રસ્તા પર ઉતરતાં ભારે આકર્ષણ જોવા મળ્યું


વડોદરાની વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર અંગે જવાબદારી સ્વીકારી નગરજનોની માફી માગવાને બદલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ નગરજનોને આવનારા સમયમાં વિશ્વામિત્રી નદીમાં સંભવતઃ પૂર સામે ટ્યૂબ, તરાપા અને દોરડા રાખવા માટે સલાહ આપી હતી, જોકે ચેરમેને આપેલી સલાહનો ચારેકોરથી પ્રચંડ વિરોધ શરૂ થયો છે. એ બાદ ચેરમેને નગરજનોની માફી માગતાં જણાવ્યું હતું કે હું એક ડોક્ટર છું, એક સમાજસેવક તરીકે નિવેદન આપ્યું છે. અમે જવાબદારીથી છટકવા માગતા નથી. હંમેશાં લોકો સાથે અને વચ્ચે રહીને જ કામ કરીએ છીએ.


આ મામલે આજરોજ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી. આ વિરોધ વધુ ઉગ્ર ન બને એ માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર ટ્યૂબ અને બોટ લઈને રેલીમાં જોડાયા હતા. આ રેલી પહેલાં એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિકોએ મકાન તોડવા અને સહાય સહિતના મુદ્દે સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. તો કોંગ્રેસના નેતાઓએ પણ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતાં. એ બાદ માગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચાડવાની માગ સાથે કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું.


રાજ્યમાં ભારે વરસાદના લીધે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું જેના લીધે સ્થાનિક લોકોને પીવાના પાણી, શાકભાજી અને ભોજન માટે વલખાં મારવાનો વારો આવ્યો હતો. રાજકીય પક્ષ અને વહીવટી તંત્ર દ્વારા કોઇ મદદ કે સહાય ન મળતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જોકે પૂરના પાણી ઓસરતાં ભાજપના મંત્રીઓ વડોદરામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં મુલાકાત માટે આવ્યા ત્યારે પિકનિક કરવા આવ્યા હોય એમ ડમ્પર પર સવારી કરવા નિકળ્યા હતા જેથી નેતાઓની આકરી ટીકા અને અવગણના થઇ હતી. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ આક્રોશ રેલીમાં પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના આગેવાનોએ બોટને ઉંચકીને રસ્તા પર ઉતરતાં લોકોમાં ભારે આકર્ષણ જોવા મળ્યું હતું. 


આજે કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી જન આક્રોશ રેલીમાં વિરોધ ઉગ્ર ન બને તે માટે પોલીસનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટ્યૂબ અને બોટ લઇને રેલીમાં જોડાયા હતા. જેથી આ પ્રકારનો અનોખો વિરોધ લોકો માટે આકર્ષણ કેન્દ્ર બન્યો હતો. આક્રોશ રેલીમાં વડોદરાના સાંસદ અને ધારાસભ્યો રાજીનામા આપે અને ભ્રષ્ટાચારીઓને સજા કરો તેવી માંગણી કરતાં પોસ્ટરો જોવા મળ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ ભાજપ સામે અનેક આક્ષેપો કર્યા હતા અને પોતાની માંગણીઓ મુખ્યમંત્રી સુધી પહોંચવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. 


વડોદરામાં સર્જાયેલી પૂરના મામલે મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે વડોદરાએ નરેન્દ્ર મોદીને દિલ્હી મોકલ્યા છે પરંતુ તેઓ વડોદરાવાસીઓને ભૂલી ગયા છે. વડોદરા શહેરની વસ્તી પાણીમાં વહી ગઇ તેમછતાં પણ સરકારે દરકાર સુદ્ધાં લીધી નથી. પૂરના પાણી ઓસરી ગયા બાદ કરવામાં આવેલો સર્વે પણ યોગ્ય નથી જેના લીધે સાચા પૂર અસરગ્રસ્તો સહાયથી વંચિત રહી જશે. 30 વર્ષથી ભાજપનું શાસન છે, તેમછતાં વડોદરાને પૂર પાણીથી બચાવવા માટે કંઇ કરી શકી નથી. 11 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, તેમ છતાં કોઈક સહાય નથી જાહેર કરી તે મોટી કમનસીબી છે. 


તો બીજી તરફ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ મોટા આરોપ લગાવતાં કહ્યું હતું કે વડોદરામાં મોટા બિલ્ડરો અને ભાજપના નેતાઓએ વિશ્વામિત્રી નદી કરેલા દબાણોના કારણે પૂર આવ્યું છે. આ ઉપરાંત ભાજપના વડોદરાના એક નેતા અને પૂર્વ મંત્રીએ ગ્રીન ઝોનને સરકારમાંથી હેતુ બદલી બિલ્ડિંગ અને ઘરો બાંધી દીધા છે એટલે પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. 

Share :

Leave a Comments