સરદાર પટેલ શાક માર્કેટમાં ઢોરવાડાની જગ્યાએ વોર્ડ 13ની ઓફિસ બનાવવા કોંગ્રેસ કોર્પોરેટરની માંગણી

હાલ વોર્ડ 13ની કચેરી તાંબેના વાડા ખાતે અંદરના ભાગે હોવાથી લોકોને દૂર પડે છે

MailVadodara.com - Congress-corporators-demand-to-build-Ward-13-office-in-Sardar-Patel-vegetable-market-instead-of-cattle-shed

- વહીવટી વોર્ડ નં.13ને પોતાની નવી વહીવટી વોર્ડ ઓફિસ આપવા 8 વર્ષ અગાઉ કોર્પોરેશનમાં રજૂઆત થઈ હતી, પરંતુ કોઈ પ્રગતિ થઈ નથી

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તા.1-4-22 થી 19 ચૂંટણી વોર્ડ મુજબ 19 વહીવટી વોર્ડ ઓફિસની રચના કરવામાં આવી હતી. દરેક વહીવટી વોર્ડમાં વોર્ડ ઓફિસને તેનું બિલ્ડીંગ આપવા નિર્ણય થયા બાદ તાજેતરમાં બે-ત્રણ વોર્ડ ઓફિસ નવી બનાવવાની દરખાસ્ત પણ મંજૂર થઈ છે ત્યારે વહીવટી વોર્ડ નંબર 13ને પોતાની નવી વહીવટી વોર્ડ ઓફિસ આપવા કોર્પોરેશનમાં 8 વર્ષ અગાઉ રજૂઆત થઈ હતી, પરંતુ તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. 

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કેવડાબાગમાં સરદાર પટેલ શાક માર્કેટ ખાતે ઢોરવાડો બનાવવા જઈ રહી છે ત્યારે આ જ સ્થળે વહીવટી વોર્ડ ઓફિસ બનાવવા અગાઉ કોર્પોરેશનની સભામાં વોર્ડ નંબર 13ના સિનિયર કોંગ્રેસના કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યો હતો, ત્યારે તેમને ખાતરી અપાઈ હતી કે, સરદાર પટેલ માર્કેટયાર્ડ ખાતે વોર્ડ ઓફિસ બનાવવામાં આવશે. અહીં ઢોરવાડો બનાવવા કરતાં વોર્ડ ઓફિસ બનાવવા તેમણે ફરીવાર માંગ કરી છે. 


તેમણે  કહ્યું છે કે, હાલમાં નં-13ની કચેરી તાંબેના વાડા, દાંડીયાબજાર ખાતે અંદરના ભાગે આવેલી હોવાથી વિસ્તારની દ્રષ્ટિએ અરજદારોને દૂર પડે છે અને અંદરના ભાગે હોવાથી લોકોને જલ્દી મળતી પણ નથી. વોર્ડ નં-13નો વિસ્તાર ખૂબ જ મોટા પ્રમાણમાં છે. જેમાં પ્રતાપનગર, લાલબાગ, વિશ્વામિત્રી બ્રીજ નીચે સમગ્ર વિસ્તાર આવે છે. વોર્ડ નં-13 ની કચેરી તાંબેના વાડામાં ખૂણામાં ઇલેક્શન વોર્ડ નં-14 પુરો થાય ત્યાં આવેલ છે. વહીવટી વોર્ડ નં-13 જે અગાઉ વહીવટી વોર્ડ નંબર 5 તરીકે ઓળખાતો હતો, તેની  જુની કચેરી શહેરના શિયાબાગમાં હતી. જે નવી બનાવવા વહીવટી પ્રક્રીયા વર્ષ 2013-14 માં પૂરી કરીને વર્ષ 2014-15માં મંજૂરી અર્થે ફાઇલ મોકલી હતી, અને સમગ્ર સભાએ મંજુર કરેલ છે. આ વાતને આજે 8 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી બનાવેલ નથી. બીજા વોર્ડની જુની કચેરીઓને તોડી નવી બાંધવામાં આવેલ છે, પછી માત્ર આ વોર્ડને જ કેમ બાકાત રાખવામાં આવે છે તે સવાલ ઉઠાવ્યો હતો.

Share :

Leave a Comments