- યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓને થતો અન્યાય અટકશે
- ડિપ્લોમા ટૂ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ આપવાની જાહેરાતને 6 મહિના થવા છતાં હજી સુધી સરકાર દ્વારા કોઇ જાણકારી અપાઇ નથી?!
સરકારની એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ કોર્સીસ (એસીપીસી) દ્વારા દર વર્ષે ડિપ્લોમા થયેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં મેરિટના આધારે વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશ અપાતો હોય છે. પ્રવેશ કાર્યવાહીમાં બદલાવ કરીને આગામી વર્ષથી એટલે કે 2024થી મેરિટની જગ્યાએ પ્રવેશ પરીક્ષા થકી ડિપ્લોમા ટૂ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ આપવાની જાહેરાત 6 મહિના પહેલા કરવામાં આવી હતી. જોકે આ જાહેરાત પછી પણ પ્રવેશ પરીક્ષા કેવી રીતે લેવાશે, તેનું માળખું કેવું હશે, જેવી કોઈ જાણકારી હજી સુધી સરકાર દ્વારા પૂરી પાડવામાં નહીં આવી હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષાની તૈયારી લઈને મૂંઝવણમાં મુકાયા છે.
એમ. એસ. યુનિવર્સિટીની પોલીટેકનિકના અધ્યાપકે કહ્યું હતું કે, વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા કેવી રીતે લેવામાં આવશે તેની માહિતી નથી. રોજેરોજ વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ અમારી પાસે પૂછપરછ કરવા આવી રહ્યા છે પણ અમારી પાસે પણ તેને લગતી કોઈ જાણકારી નથી. સરકારે વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષા માટે તૈયારીનો સમય આપવા શક્ય હોય તેટલી જલદી આ પરીક્ષા અંગેની જાણકારી પૂરી પાડવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના વિવિધ સાત કોર્સના 800 જેટલા વિદ્યાર્થીઓ દર વર્ષે ડિપ્લોમા કોર્સ પાસ કર્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે એપ્લાય કરતા હોય છે. આ વિદ્યાર્થીઓ પ્રવેશ કાર્યવાહીમાં થયેલા બદલાવથી તો ખુશ છે.
મેરિટની જગ્યાએ પ્રવેશ પરીક્ષાના કારણે યુનિવર્સિટીની એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના વિદ્યાર્થીઓને થતો અન્યાય અટકશે. પોલીટેકનિકના અધ્યાપકના કહેવું છે કે, એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકમાં વિદ્યાર્થીઓને માર્કસની લહાણી નથી કરાતી. ઉત્તરવહીઓની આકરી ચકાસણી થતી હોય છે. તેની સામે બીજી કોલેજો અને ખાસ કરીને ખાનગી પોલીટેકનિક કોલેજો વિદ્યાર્થીઓને છૂટથી માર્કસ આપે છે. આમ મેરિટમાં તેઓ વડોદરાની પોલીટેકનિકના વિદ્યાર્થીઓથી આગળ નિકળે છે અને એમ.એસ.યુનિવર્સિટીની પોલીટેકનિકના ઘણા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે.