વાઘોડિયાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યો

અરજદારોને લૂંટતા ઓપરેટરને એસીબીએ મઢેલી ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવી ઝડપ્યો

MailVadodara.com - Computer-operator-of-Waghodia-Madheli-Gram-Panchayat-nabbed-by-ACB-for-taking-bribe

- સરકાર દ્વારા ઓપરેટરને પ્રતિ એક KYC કરવાના પાંચ રૂપિયા અપાય છે

- વિનામુલ્યે થતી E-KYCની કામગીરી માટે ઓપરેટર અરજદારો પાસેથી 20 રૂપિયા ઉઘરાવતો


વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર ઓપરેટરને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ રૂપિયા 20ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતાં ચકચાર મચી ગઇ હતી. વિનામુલ્યે થતી કામગીરીના ઓપરેટર અરજદારો પાસેથી E-KYC કરી આપવા માટે 20 રૂપિયા ઉઘરાવતો હતો. નોંધનીય છે કે, સરકાર દ્વારા ઓપરેટરને E-KYC માટે પ્રતિ એક KYC કરવાના મહેનતાણારૂપે પાંચ રૂપિયા આપવામાં આવે છે.

મળેલી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના અડોદરા ગામનો રહેવાસી હિમાંશુ જગદીશભાઇ પટેલનો વાઘોડિયા તાલુકાના મઢેલી ગ્રામ પંચાયતમાં E-KYC સહિતની કામગીરી કરી આપવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. સરકાર દ્વારા કેવાયસી ફરજિયાત કરાતા અરજદારો મોટી સંખ્યામાં કેવાયસી કરાવવા માટે ગ્રામ પંચાયત ખાતે ઉમટી પડયા હતા. સરકાર દ્વારા ઇકેવાયસી કરવાના પાંચ રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરના ખાતામાં સીધા જમા કરવામાં આવતા હતા. અરજદારોએ એક પણ રૂપિયો આ કોમ્પ્યુટર ઓપરેટરને આપવાનો થતો નથી. તેમ છતાં કોમ્પ્યુટર ઓપરેટર હિમાંશુ પટેલ અરજદાર દીઠ કેવાયસી કરવાના તેમની પાસેથી રૂપિયા 20 ઉઘરાવતો હતો.

આ માહિતી વડોદરા એસીબીને મળી હતી, જેના આધારે એસીબીએ મઢેલી ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું. દરમિયાન કોમ્પ્યુટર ઓપરેટરને અરજદાર પાસેથી ઈકેવાયસી કરવાના રૂપિયા 20 ઉઘરાવતા રંગે હાથ ઝડપી પાડયો હતો. અરજદારોને લૂંટતા લાંચિયા ઓપરેટરની ધરપકડ કરીને એસીબી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી હિમાંશુ પટેલ કોમ્પ્યુટર ઓપરેટર ઈ-કેવાયસીનું કામ કરતો હોય અરજદારો પાસેથી 20 રૂપિયા પડાવતો હતો. હિમાંશુ પટેલ 20 રૂપિયાની લાંચ લેતા ઝડપાતાં વિવિધ ગામોમાં કામ કરી રહેલા ઓપરેટરોમા ફફડાટ ફેલાઇ ગયો છે.

Share :

Leave a Comments