- આરોપી પિતા-પુત્રે ત્રણ મહિનામાં વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપી હતી
વિદેશ જઈ પૈસા કમાવવાની લોકોમાં એવી લાલચ જાગી છે કે એજન્ટોનો સંપર્ક સાધી વર્ક પરમિટ અને વિઝા માટે રૂપિયા ખર્ચી નાખે છે. આ જ એજન્ટો રૂપિયા મળ્યા બાદ ગલ્લા-તલ્લા કરી લોકો સાથે છેતરપિંડી કરતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરમાં સાંઈ કન્સલ્ટન્સી નામે વર્ક પરમિટ અને વિઝા અપાવવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા પિતા-પુત્ર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે.
શહેરના નિઝામપુરા વિસ્તારમાં ડિલક્ષ ચાર રસ્તા પાસે આવેલા સાંઈ કન્સલટન્ટસી નામે ઓફિસ શરૂ કરીને ભેજાબાજ પિતા-પુત્રએ વિદેશ જવા માંગતા લોકો સામે ઠગાઈ આચારી હોવાની અનેક ફરિયાદો સામે આવી છે. શહેરમાં વિદેશ જવાનો રાફડો ફાટ્યો છે. ત્યારે તેનો ફાયદો આવા ઠગબાજો ઉઠાવી રહ્યા છે. આ બંને પિતા પુત્ર સામે અગાઉ પણ કરોડોની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઇ છે.
શહેરના નિર્મળ પાર્કમાં રહેતા અને છૂટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા જીગ્નેશ પરમારે માંજલપુર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મારે કેનેડા ખાતે વર્ક પરમિટ કે વિઝિટર વિઝા મારફતે જવું હતું. જેથી ડિસેમ્બર-2022માં કેનેડા મોકલવાની પ્રોસેસ અંગે એજન્ટની તપાસ કરી હતી. તે દરમિયાન વડોદરાના નિઝામપુરામાં સાંઇ કેન્સલેન્ટસીના માલિક રાજેન્દ્ર મનહરલાલ શાહ અને તેમનો પુત્ર રિન્કેશ શાહ (બન્ને રહે. ઉમિયાનગર-2, ચાણક્યપુરી, સમા) વિદેશ નોકરી કરવા માટે વર્ક પરમિટ તેમજ વિઝિટર વિઝાની પ્રોસેસ કરી વિદેશ નોકરી માટે મોકલતા હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ ઓનલાઈન સર્ચ કરી મોબાઈલ નંબર મેળવી આ અંગે માહિતી મેળવતા કેનેડા જવા માટે 12 લાખ રૂપિયાનો ખર્ચ થશે અને રૂબરૂ નિઝામપુરા સ્થિત ડિલક્ષ ચાર રસ્તા ખાતે આવેલી ઓફિસે આવવા માટે જણાવ્યું હતું. બાદમાં હું અને મારો મોટો ભાઈ ઘનશ્યામ પરમાર નિઝામપુર ચાર રસ્તા પાસે આવેલી સાંઇ કન્સલટન્ટસીના માલિક પિતા-પુત્રને તેમની ઓફિસે મળેલા અને અમારે કેનેડા મુકામે જવા અંગેની વાત કરતા તેઓએ રૂપિયા 12,00,000માં મને કેનેડા મુકામે વિઝિટ ટુ વર્ક પરમિટ વિઝા અપાવવાની વાત કરી હતી. જેમાં 6 લાખ એડવાન્સ અને ત્યારબાદ કેનેડા જઈને નોકરી ઉપર લાગી જાય પછી પગારમાંથી આપવાની વાત કરી હતી. ત્યારબાદ 50 હજાર ઓનલાઈન અને 5.50 લાખનો ચેક આપ્યો હતો.
આરોપી પિતા-પુત્ર દ્વારા ડોક્યુમેન્ટ લઈ સ્ટેમ્પ કરી ત્રણ મહિનામાં વર્ક પરમિટ આપવાની બાંહેધરી આપી હતી. ત્યારબાદ તપાસ કરતા ફાઈલ તૈયાર થઈ ન હતી અને બાયોમેટ્રિક બાકી છે તેમ કહી હવે થશે તેવું કહી બહાનું બતાવ્યું હતું. બાદમાં મારા ભાઈના મિત્રએ ઓફિસ પર જઈ તપાસ કરતા ઓફિસ બંધ હોવાની માહિતી આપી હતી. બાદમાં રાજેન્દ્રભાઇ અને તેમના પુત્ર રીન્કેશના મોબાઇલ ફોન ઉપર અવાર-નવાર ફોન કરતા તેઓનો મોબાઈલ ફોન બંધ આવતા હતા. અને મારી સાથે અન્ય એક મહિલા સાથે પણ 6 લાખની છેતરપીંડી આચરી પિતા-પુત્ર ફરાર થઇ ગયા હતા. આ અંગે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ છેતરપીંડી અંગે પોલીસ તપાસ કરી રહી છે.