- વડોદરા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી
વડોદરા શહેરની ICICI બેંકની સુભાનપુરા શાખાના ATMમાં આવેલા કેશ ડિપોઝિટ મશીનમાં ડિપોઝિટ કરાયેલી 200ના દરની ભારતીય ચલણની 38 નકલી નોટો મળી આવી હતી. આ મામલે ICICI બેંકની અટલાદરા શાખામાં બ્રાંચ મેનેજરે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરમાં ICICI બેંકની અટલાદરા શાખામાં બ્રાંચ મેનેજર તરીકે ફરજ બજાવતા આલોકભાઇ ખંડેરાવ શીંદેએ વડોદરા ક્રાઇમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ICICI બેંકના વડોદરા શહેરના ATMના નાણાં અમારી શાખામાં જમા કરાવવામાં આવે છે. ATMમાં કેશ અનલોડિંગનું કામ સી.આર. એજન્સીને આપેલું છે. ગત 2 મેના રોજ હું મારી ફરજ પર હાજર હતો, તે સમયે અમારા કેશિયર મમતાબેન પરમારે મને જણાવ્યું હતું કે, 1 મેના રોજ ATMમાં કેશ લોડિંગ કરતા સી.આર. એજન્સીના માણસો ICICI બેંકની સુભાનપુરા શાખાના ATM ખાતે ગયા હતા. જેના કેશ ડિપોઝિટ મશીનના રિજેક્ટેડ ટ્રેમાંથી રૂપિયા 200ના દરની ભારતીય ચલણની 38 નોટો લાવ્યા હતા. તમે હાજર ન હોવાથી તેઓએ નોટો મને જમા કરાવી હતી અને આ ચલણી નોટો નકલી હોવાનું માલૂમ પડ્યું હતું.
મેં અને કેશિયરે અમારા કેશ શોટીંગ મશીનમાં નાખીને ખાત્રી કરતા ખરેખર નકલી નોટો હોવાનું માલૂમ પડ્યું હતું. 200ના દરની નકલી નોટો કાર્તીક સતીષભાઇ બહે (રહે. પીળી હવેલી ચોક, નાગપુર, મહારાષ્ટ્ર)ના એકાઉન્ટમાંથી ડિપોઝિટ કરવામાં આવી હોવાનું જણાય છે. હાલ આ નકલી નોટો અમારી પાસે જમા રાખી છે અને આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. અમે નકલી નોટો તપાસમાં પોલીસ સમક્ષ રજૂ કરીશું.
આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધીને CCTVના આધારે વધુ તપાસ શરૂ કરી છે અને ATMના કેશ ડિપોઝિટ મશીનમાં નકલી નોટો ડિપોઝિટ કરનાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.