વડોદરામાં અલગ રહેતા પતિએ દીકરીઓની ફી ના 97 હજાર પત્નીના ખાતામાંથી ઉપાડી લેતા ફરિયાદ

મહિલાએ કહ્યું, મારા સસરાએ આપેલા 10 લાખ રૂપિયા પણ પતિએ વાપરી નાખ્યા

MailVadodara.com - Complaint-of-husband-living-separately-in-Vadodara-withdrawing-97-thousand-of-daughters-fee-from-wifes-account

- મહિલા એકલી બે દીકરી સાથે રહેતી હતી અને તમામ ખર્ચ ઉપાડતી હતી

- મહિલાએ રૂપિયા બાબતે પતિને પૂછતાં કહ્યું, રૂપિયા મેં જ ઉપાડ્યા છે, તે ભરણ પોષણનો કેસ કર્યો છે, પણ તને રૂપિયા આપવાનો નથી

વડોદરા નજીક વર્ષોથી સાથે રહેતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ બંને અલગ રહેતાં હતાં. દરમિયાન બેંક ખાતામાંથી પતિએ બારોબાર રૂપિયા ઉપાડી લેતાં બંને વચ્ચે ફરી વિવાદ સર્જાયો હતો. પતિએ પત્નીની જાણ બહાર તેના ખાતામાંથી 97 હજાર ઉપાડી લેતાં પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પતિ-પત્ની અલગ રહેતાં હતાં. જ્યારે પત્ની સિમકાર્ડ પતિના નામનું વાપરતી હતી. જે સિમકાર્ડ પતિએ બંધ કરાવી તે સિમ ફરીથી લઈને રૂપિયા ટ્રાન્સફર કરી લીધા હતા.

મકરપુરા પોલીસ સ્ટેશનમાં મહિલાએ પતિ નિમેષ પ્રવીણભાઈ પટેલ (મુંઝાર ગામડી, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, મારાં લગ્ન 2009માં સાથે થયાં હતાં. સંતાનમાં અમારે બે દીકરી છે. હું પતિથી અલગ રહું છું. ગત વર્ષે મારા સસરાએ મને અને પતિને 10 લાખ આપ્યા હતા, જે રૂપિયા પતિએ વાપરી નાખ્યા હતા. આ મામલે અમારો ઝઘડો થતાં મને માર માર્યો હતો. ત્યારબાદથી પતિ દિયરના ઘરે રહેવા જતા રહ્યા હતા. મેં પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હતો.

બીજી તરફ મારું બેંક ઓફ બરોડામાં ખાતું છે. હું અગાઉ મારા પતિના નામે સિમકાર્ડ વાપરતી હતી અને જે મારા બેંક ખાતા સાથે લિંક હતું. પતિએ મારી પાસે રહેલું સિમકાર્ડ બંધ કરાવી તે જ નંબરનું બીજું સિમકાર્ડ લઈ લીધું હતું. તેમણે તે નંબરનો ઉપયોગ કરી ગૂગલ પે દ્વારા મારા ખાતામાંથી બારોબાર રૂપિયા 97,800નાં ટ્રાન્ઝેક્શન કરી લીધાં હતાં.

મહિલાને જાણ થઈ હતી કે, તેના રૂપિયા ઉપાડી લેવાયા હતા. જેથી મહિલાએ પતિને આ બાબતે વાત કરી હતી. ત્યારે પતિએ તેને કહ્યું હતું કે, રૂપિયા મેં જ ઉપાડ્યા છે. તેં ભરણપોષણનો કેસ કર્યો છે, પણ તને રૂપિયા આપવાનો નથી. તારાથી થાય તે કરી લે જે.

મહિલા એકલી તેની બે દીકરી સાથે રહેતી હતી અને તમામ ખર્ચ પણ ઉપાડતી હતી. તેમણે દીકરીઓની ફી ભરવાના રૂપિયા પોતાના બેંક એકાઉન્ટમાં મૂકી રાખ્યા હતા. જે રૂપિયા પતિએ જાણ કર્યા વગર બારોબાર ઉપાડી લીધા હતા અને તે રૂપિયા પરત કરવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

Share :

Leave a Comments