પત્નીના ઘૂંટણની તકલીફ દૂર કરવા 4 લાખ લીધા બાદ ફરક ન પડતા પતિની ડોક્ટર સામે ફરિયાદ

નવાપુરા વિસ્તારમાં રહેતા વિનોદચંદ્ર પંડ્યાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Complaint-of-husband-against-doctor-after-taking-4-lakhs-to-cure-wifes-knee-problem

- ડોક્ટરે ગેરંટી આપી હતી કે, જ્યાં સુધી તમારી પત્નીને સારૂ નહી થાય ત્યાં સુધી તેઓ મુલાકાત લેતા રહેશે, પરંતુ એક વખત ઘરે આવ્યા બાદ આવતા બંધ થઈ ગયા હતા

વડોદરા શહેરમાં પત્નીની ઘૂંટણની તકલીફ દૂર કરવા માટે 4 લાખ લીધા બાદ પણ કોઈ ફરક ન પડતા 82 વર્ષીય પતિએ આ મામલે ડોક્ટર સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા 82 વર્ષના વિનોદચંદ્ર ભાનુપ્રસાદ પંડ્યાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું અને મારી પત્ની પ્રતિમા પંડ્યા ચકલી સર્કલ નજીક જેતલપુર રોડ પર આવેલા વિજય સેલ્સના શો-રૂમમાં ગયા હતા. મારી પત્ની પ્રતિમા પંડ્યાને ચાલવાની તકલીફ હોવાથી ત્યાં હાજર નીતિન અગ્રવાલ નામનો શખસ મારી પાસે આવ્યો હતો અને મને કહ્યું હતું કે, મારી માતાને પણ ઘૂંટણની તકલીફ હતી, જેમની ડોક્ટર સિદ્દીકી પાસે સારવાર કરાવતા તેમની ઘૂંટણની તકલીફ સારી રીતે દૂર કરી હતી અને તેમને દુખાવો બંધ થઈ ગયો હતો.

તેમને મને કહ્યું હતું કે, મારી પત્ની પ્રતિમા પંડ્યાની ડોક્ટર સિદ્દીકી પાસે સારવાર કરાવશે તો તેમને સારૂ થઈ જશે અને નીતિન અગ્રવાલે ડોક્ટર સિદ્દીકીને અમારો મોબાઈલ નંબર આપી મારી પત્નીની ટ્રીટમેન્ટ માટે જાણ કરી હતી. ત્યારબાદ ડોક્ટર સિદ્દીકી અમારા ઘરે આવ્યા હતા અને કહ્યું હતું કે, મારી પત્ની પ્રતિમાબેન પંડ્યાના ઘુટણમાંથી ફુંકાણી દ્વારા પરૂ ખેંચવાથી તેઓ એક માસમાં સારા થઈ જશે અને ચાલતા થઈ જશે એવી ડોક્ટર સિદ્દીકીએ અમને ગેરંટી આપી હતી.

તેઓએ મને જણાવ્યું હતું કે, ફૂંકણી દ્વારા એક વખતના પરૂ ખેંચવાના 2500 રૂપિયા થશે, જેથી અમે ડો. સિદ્દીકીને મારી પત્નીની ટ્રીટમેન્ટ માટે હા પાડી હતી અને ત્યારબાદ ડોક્ટર સિદ્દીકીએ પ્રાયોગિક ધોરણે મારી પત્નીની સારવાર ચાલુ કરી દીધી હતી અને મારી પત્નીના જમણા પગમાંથી પરૂ કાઢવાની ટ્રીટમેન્ટ માટે ડોક્ટર સિદ્દીકીએ મારી પાસે 4 લાખનો ખર્ચ માગ્યો હતો. જે 4 લાખ મે તેમને ચેકથી આપ્યા હતા. આ ચેક પર ડો. સિદ્દીકીએ જાતે તેમના અંગત સંબંધી પ્રફુલત્તાબેન સત્યવાન પાટીલનું નામ લખીને રૂપિયા ઉપાડી લીધા હતા.

મારી પત્નીની સારવાર પૂરી કર્યા બાદ ડોક્ટર સિદ્દીકીએ અમને ગેરંટી આપી હતી કે, જ્યાં સુધી તમારી પત્નીને સારૂ નહી થાય ત્યાં સુધી તેઓ મુલાકાત લેતા રહેશે. ત્યારબાદ તેઓ એક વખત મારા ઘરે મુલાકાત માટે પણ આવ્યા હતા અને તે પછી તેઓ મારા ઘરે આવતા બંધ થઈ ગયા હતા, પરંતુ ડોક્ટર સિદ્દીકીની સારવાર બાદ પણ મારી પત્નીનું ચાલવાની તકલીફ સારી થઈ નહોતી કે કોઈ રાહત થઈ નહોતી અને ડોક્ટર સિદ્દીકી મારી પત્નીની સારવાર માટે બીજી કોઈ વાર અમારા ઘરે આવ્યા નહોતા કે, અમારો કોઈ કોન્ટેક્ટ કર્યો નહોતો. જેથી, આ મામલે ડોક્ટર સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. નવાપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments