કેનેડા અને આયર્લેન્ડના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને નાણાં પડાવનાર 3 સામે છેતરપિંડીની ફરિયાદ

60 દિવસમાં વર્ક પરમિટ ન મળે તો નાણાં પરત આપવાની ખાતરી આપી હતી

MailVadodara.com - Complaint-of-fraud-against-3-who-extorted-money-on-the-pretext-of-issuing-Canada-and-Ireland-work-permit-visas

- માંજલપુરના લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના સંચાલક સહિતની ત્રિપુટીએ ચાર યુવકો પાસેથી વર્ક પરમિટ વિઝાના ખર્ચ પેટે 5 લાખ પડાવ્યા

વડોદરા શહેરમાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટરના નામે વિદેશમાં કેનેડા અને આયર્લેન્ડ માટે વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને ચાર વ્યક્તિઓ પાસેથી એડવાન્સ ખર્ચ પેટે રૂપિયા 5 લાખથી વધુની રકમ પડાવી છેતરપિંડી આચારી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં ત્રણ ઈસમો સામે નોંધાઇ છે. આ ફરિયાદમાં વિઝા આપવા તેઓએ વર્ક પરમિટ વિઝાની પ્રોસેસિંગ ફી પેટે અલગ-અલગ તારીખ અને સમયે એડવાન્સ રૂપિયા મેળવી, એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમિટ ન મળે તો પૈસા પાછા આપવાની બાંહેધરી આપી હતી. તેમ છતાં વર્ક પરમિટ કે પૈસા પાછા ન આપતા આ અંગે માંજલપુર પોલીસ મથકમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઇ છે. માંજલપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, આ અંગે શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ ખોડીયારનગર વૈકુંઠ 2માં રહેતા અને શિક્ષક તરીકે નોકરીનો વ્યવસાય કરતા તુષારગીર હરીશગીર ગોસાઇએ નોંધાવેલ ફરિયાદ મુજબ, કેનેડા વર્ક પરમિટ માટે જવાનું હોવાથી વર્ષ 2021 દરમિયાન માંજલપુરના દીપ ચેમ્બર્સ ખાતે આવેલ લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીનો સંપર્ક સાંધ્યો હતો. જ્યાં આશિષ જયચંદ ગવલી (રહે. શંકરવાડી, નવાયાર્ડ રોડ) એ કેનેડા વર્ક પરમીટ પ્રોસેસિંગ ફી પેટે રૂ. 3 લાખનો ખર્ચ જણાવ્યો હતો. અને 60 દિવસમાં વર્ક પરમિટ ન મળે તો તમામ નાણા પરત આપવાની ખાતરી આપી હતી. અને રૂ. 3 લાખ પૈકી રૂ.1 લાખ એડવાન્સ તથા કેનેડા પહોંચ્યા બાદ બાકીના રૂ. 2 લાખની રકમ આપવાનું નક્કી થયું હતું. જેથી રૂ.1.02 ચૂકવ્યા બાદ ઓનલાઇન ઇન્ટરવ્યૂ કર્યો હતો. આ દરમ્યાન કન્સલ્ટન્સીના ડાયરેક્ટર કૃણાલ દિલીપરાવ નિકમ (રહે. પરમપાર્ક સોસાયટી, માંજલપુર) તેમજ કર્મચારી વિકાસ તુલસીદાસ પટેલ (રહે. દર્શનમ એન્ટીકા, તરસાલી રોડ, દંતેશ્વર) સાથે પણ મુલાકાત થઈ હતી. અને તમામે ત્રણ મહિનામાં લિમિયા સર્ટિફિકેટ આપવાની ખાતરી આપ્યા બાદ લાંબો સમય વિતવા છતાં લીમિયા સર્ટિફિકેટ અથવા વર્ક પરમીટ વિઝા મળ્યા ન હતા. જેથી અવારનવાર નાણાંની પરત માંગ કરતા ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યો છે. 

ભેજાબાજોએ આ પ્રકારે અનેક વ્યક્તિઓ સાથે ચીટીંગ આચર્યું હોવાની આશંકા છે. હાલ ત્રણ વ્યક્તિઓ પાસેથી કેનેડા અને આયર્લેન્ડ વર્ક પરમિટ વિઝા આપવાના બહાને એડવાન્સ રૂપિયા મેળવી છેતરપિંડી આચરી હોવાની વિગતો સામે આવી છે. જેમાં વાઘોડિયા રોડ ખાતે રહેતા ધવલ ભાલેરાવ પાસેથી કેનેડાના વર્ક પરમિટ વિઝાના ખર્ચ પેટે રૂપિયા 1 લાખ, વાઘોડિયા રોડ ખટંબા ખાતે રહેતા ઉત્કર્ષ પટેલ પાસેથી કેનેડા વર્ક પરમિટના ખર્ચ પેટે રૂપિયા 2 લાખ, ન્યુ વીઆઇપી રોડ ખાતે રહેતા ચિરાગ ગઢવી પાસેથી આયર્લેન્ડ જવા ખર્ચ પેટે રૂપિયા 1 લાખ ખંખેર્યા છે. આ તમામ સાથે પણ મારી જેમ છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાથી તેઓ પણ મારી સાથે ફરિયાદ માટે આવી આ ત્રણે ઈસમો સામે કાર્યવાહી થાય તે માટે ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઇ છે. ઉપરોક્ત ફરિયાદના આધારે માંજલપુર પોલીસે ડાયરેક્ટર સહિતની ત્રિપુટી વિરૂધ્ધ વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 

Share :

Leave a Comments