- ભાડું આપવાનું બંધ કરી દેતા કાર માલિકે વારંવાર ફોન કરી ભાડું અને કારની માગણી કરતા આરોપીએ એક કાર પરત આપી હતી
- કાર માલિકને બીજી ગાડી હારૂન રસીદ મન્સુરી પાસે હોવાની જાણવા થતાં તેને આરોપી તુષારકુમારે રૂપિયા 3.50 લાખમાં ગીરવે મૂકી હોવાનું ખૂલ્યું
વડોદરા શહેરના ન્યૂ વીઆઇપી રોડ પર રહેતા યુવકની બે કાર સેલ્ફ ડ્રાઈવના બહાને એક શખસ લઈ ગયો હતો. જેનું શરૂઆતમાં નિયમિત ભાડું પણ ચૂકવ્યું હતું. પરંતું ભાડું આપવાનું બંધ કરી દેતા કાર માલિકે વારંવાર ફોન કરી ભાડું અને કારની માગણી કરી હતી. ત્યારે એક કાર પરત આપી હતી. પરંતુ અન્ય કાર બારોબાર ત્રીજી વ્યક્તિ પાસે ગીરવી મૂઠ્ઠી દીધી હતી. આ વ્યક્તિ પાસે કાર માગતા તે શખસ માલિક પાસે રૂપિયાની માગણી કરતો હતો. જેથી કાર માલિકે બે શખસ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
શહેરના ન્યૂ વિઆઈપી રોડ પર માણેક પાર્ક સોસાયટીમાં રહેતા અક્ષય રજનીકાંત રાણાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, હું ઝઘડિયા ખાતે રાજશીલ કેમિકલ ફેક્ટરી ધરાવી વેપાર ધંધો કરૂ છું. 13 સપ્ટેમ્બરના રોજ મેં એક કાર મારા પિતાના નામ ઉપર ખરીદી હતી. વર્ષ 2023માં વીઆઈપી રોડ ઉપર એ.આર. ઓટો ટેગ નામનું ટુ-વ્હીલરનું ગેરેજ ખોલ્યું હતું અને અમારી બાજુમાં બે-ત્રણ દુકાન છોડીને ડર્ટી ટુ ક્લિન નામનું વોશિંગ ગેરેજ હોય તેના માલિક કુલદીપભાઈ સાથે મારી ઓળખાણ થતા તેઓ વોશિંગ સિવાય સેલ્ફ ડ્રાઈવનો ધંધો કરતો હતો. જેથી તેઓએ મને તમારી પાસે બે કાર સેલ્ફ ડ્રાઈવના ધંધામા ચલાવવા માટે ભાડેથી આપો તો હું તમને નક્કી કર્યા મુજબનું ગાડીનું ભાડુ ચુકવી આપીશ તેમ કહ્યું હતું.
બાદમાં વર્ષ 2023માં કુલદીપ મોભનો ગ્રાહક તુષાર કુમાર હિતેન્દ્ર પાટણવાડિયા મારા ગેરેજ ઉપર આવી બન્ને કારો મહારાષ્ટ્ર ખાતે ઈગ્રતપુરી નેશનલ હાઈવેના કામ માટે હારુન સંસીદ મન્સુરી પાસે મુકવા વાત થઈ હતી. જેથી હું તૈયાર થઈ ગયો હતો અને ત્યારબાદ ક્રેટા કારનું ભાડુ રૂપિયા 5500 નક્કી કરી લઈ ગયો હતો. ત્યારબાદ તુષારકુમાર પાટણવાડિયાએ ફોન કરી બે કાર મારે એક મહિના માટે ભાડે જોઇએ છે, જેનું ભાડું રૂપિયા બે હજાર નક્કી કરી લઈ ગયો હતો. મિત્ર કુલદીપભાઈ સેલ્ફી કારનો વેપાર કરતા હોવાથી તેઓના લેટરપેડ ઉપર મને તુષારે લખાણ કરી આપી તેના આધાર કાર્ડની કોપી આપ્યું હતું. મારી બન્ને કારો ભાડેથી ફેરવતો હતો અને શરૂઆતમાં નક્કી કર્યા મુજબનું તેણે મને ભાડું ચૂકવ્યું હતું. ત્યારબાદ જાન્યુઆરી 2024થી મને ભાડું આપવાનું બંધ કર્યું હતું. વારંવાર કાર પરત આપી દેવા ફોન કરતા મારી એક કાર પરત મળી ગઈ હતી. પરંતુ મારી અન્ય કાર મને પરત આપતો નથી અને અમારા ફોન ઉપાડવાનુ બંધ કર્યું હતું. ગાડીની તપાસ કરતા હારૂન રસીદ મન્સુરી પાસે મારી ગાડી હોવાનુ જાણવા મળ્યું હતું. આથી તેની સાથે ફોન ઉપર વાત કરતા તુષારકુમાર પાટણવાડિયા મારી પાસે કાર 3.50 લાખમાં ગીરવે મૂકી ગયો હોવાનું કહ્યું હતું. જેથી કાર પરત માગતા હારુન મન્સુરી રૂપિયાની માગણી કરતો હતો. તુષાર પાટણવાડિયા મને વિશ્વાસમાં લઈ મારી પાસેથી સેલ્ફ ડ્રાઈવિંગના નામે મારી કાર લઈ બારોબાર ગીરવે મુકી બન્ને જણાએ મારી સાથે છેતરપિંડી કરી છે. પોલીસે ફરિયાદના આધારે બંને શખસને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.